અમેરિકાના ખેડૂત પરિવારમાં જન્મેલા મૌરાઇસ હિલમેનના નસીબમાં સમસ્યાઓ અને સંઘર્ષો જ લખાયેલા હતા.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
મૌરાઇસ તેની બે જોડકી બહેનો સાથે જ જન્મયો હતો પણ એના નસીબમાં બહેનનો પ્રેમ નહીં લખાયેલો હોય એટલે જન્મતાની સાથે જ એની બંને બહેનોનું અવસાન થયું. મૌરાઇસ જીવિત રહ્યો પણ જેની હૂંફ વગર જીવન અધૂરું ગણાય એવી માતા પણ મૌરાઇસના જન્મના માત્ર બે જ દિવસમાં આ જગત છોડીને ચાલી ભગવાનના દરબારમાં પહોંચી ગઇ.
મા વગરના દીકરાનો ઉછેર પોતાનાથી નહીં થઈ શકે એવું લાગતા મૌરાઇસના પિતાજીએ એના ઉછેરની જવાબદારી પોતાના નાનાભાઈને સોંપી. આ છોકરાના નસીબમાં વિધાતાએ કદાચ ભણવાનું પણ નહીં લખ્યું હોય એટલે ભણવાની ઉંમરે એમણે મજૂરી કામ કરવા અને બીજાના ખેતરોમાં કામ કરવા માટે જવું પડતું હતું. ભણવાની ઇચ્છા હોવા છતા પરિવારને મદદ કરવા માટે એને કામે જવું પડતું. મજૂરી અને બીજા નાના-મોટા કામો કરે પણ મન તો ભણવાની ઝંખના જ કર્યા કરે એટલે એમણે આવા કામ કરવાની સાથે સાથે પાર્ટટાઇમ અભ્યાસ ચાલુ કર્યો.
કામ કરતા કરતા જ એમણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. કમાવું જરૂરી હતું એટલે એક નાની નોકરી સ્વીકારી પણ હૃદય તો હજુ આગળ વધવા જ ઇચ્છતું હતું. અભ્યાસ અને નોકરી બંને સાથે શક્ય નહોતું બનતું એટલે નોકરી મૂકી દીધી. માઇક્રોબાયોલોજી સાથે અભ્યાસ આગળ વધ્યો. નોકરી મૂકી એટલે આવક પણ બંધ થઈ આથી ખર્ચ ઘટાડવા માટે માત્ર એક ટાઇમ જમીને પીએચડી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.
- Advertisement -
પોતાના જ્ઞાનના બળે એક ફાર્માસ્યુટીકલ કંપનીમાં એને નોકરી મળી. આ યુવાને પોતાનું સંપૂર્ણ જીવન જુદા જુદા પ્રકારના રોગોની રસીઓ શોધવામાં સમર્પિત કરી દીધું; જેના પરિણામે મૌરાઇસ હિલમેને ઓરી, અછબડા, ગાલપચોળીયા, રુબેલા, હિપેટાઇટીસ-બી, મેનેન્જાઇટીસ વગેરે જેવી 40 જેટલી રસીઓ તૈયાર કરી દુનિયાને અમૂલ્ય ભેટ આપી.
મૌરાઇસ હિલમેનના જીવનમાં અનેક સમસ્યાઓ આવી આમ છતા હિંમત હાર્યા વગર તેઓ એમની જીવનયાત્રામાં આગળ વધતા રહ્યા, તો સફળતાના શિખર સુધી પહોંચ્યા. એટલે જ કહેવાય છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા.
મૌરાઇસ હિલમેને ઓરી, અછબડા, ગાલપચોળીયા, રુબેલા, હિપેટાઇટીસ-બી, મેનેન્જાઇટીસ વગેરે જેવી 40 જેટલી રસીઓ તૈયાર કરી દુનિયાને અમૂલ્ય ભેટ આપી છે.