સરપંચની ચૂંટણી મામલે અતુલભાઇ આલોદરીયા પર છ શખ્સોએ હુમલો કર્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
જામકંડોરણાના સોડવદર ગામમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 57 વર્ષીય અતુલ આલોદરીયા રાજકોટ જિલ્લા એસપીને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો વિરુદ્ધ લગામ કસવા રજૂઆત કરી છે. સાથે જ ગ્રામજનો પણ એસપી કચેરીએ ઉમટી પડ્યા હતા તેઓએ પણ જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો ઘાતક હથિયારોથી લોકો ઉપર હુમલો કરે છે. જો સ્થાનિક લેવલેથી કોઈ પગલા લેવામાં નહીં આવે તો ગૃહમંત્રીને રજૂઆત કરીશું.
ઉલ્લેખનીય છે કે, તા.25/10/2023ના રોજ સોડવદર ગામમાં સરપંચની ચૂંટણી મામલે ખાર રાખી અતુલભાઇ છગનભાઇ આલોદરીયા ઉપર છ શખ્સોએ ધારીયા પાઈપથી હીંચકારો હુમલો કર્યો હતો. આ અંગે તા.તા.25/10ના રોજ જામકંડોરણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 57 વર્ષીય અતુલભાઇ આલોદરીયા (ઉ.વ.57)એ ફરિયાદમાં આરોપી તરીકે લખધીરસિંહ દીલુભા જાડેજા, જયેન્દ્રસિંહ દીલુભા જાડેજા, મહીપાલસિંહ વનરાજસિંહ જાડેજા, હરવિજયસિંહ જયદેવસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ દીલુભા જાડેજા, જયદેવસિંહ ખેંગારસિંહ જાડેજાનું નામ આપ્યું હતું. અતુલભાઈએ જણાવ્યું કે, તા.24/10/23 તેઓ ઘરેથી ઉપલેટા જવા નીકળેલા. ઝાંઝમેર રોડ પર આવેલ હનીફ અભેસૌરાની પ્યાસ હોટેલ પર ગયા તો ત્યાં રજાકભાઈ કુરેશી, પ્રવીણભાઇ જાડેજા, દિલિપસિંહ ચુડાસમા, જોરૂભા જાડેજા બેઠા હતાં. દરમિયાન ત્યાં જયદેવસિંહ જાડેજા આવ્યા અને ત્યારે પ્રવિણસિંહ જાડેજાએ તેમને ચા પીવાનું કહેતા જયદેવસિંહ જાડેજા અપશબ્દો કહેવા લાગ્યા ત્યારબાદ બન્ને વચ્ચે ઝપાઝપી થઈ અને મારી લાકડી અને ધારીયા સાથે હુમલો કર્યો હતો.