આનંદ, એકતા અને ઐશ્ર્વર્યનાં ઉત્સવ નૂતન વર્ષનાં વધામણાં…
‘ખાસ-ખબર’ પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ…
દિપોત્સવ, દિપપર્વ, દિવાળી, દિપાવલી. શબ્દો ઘણા છે પરંતુ સંદેશ એક જ છે – સૌનું શુભ થાય.. કલ્યાણ થાય.. મંગલમય થાય.. ઉમંગ, ઉલ્લાસ, ઉત્કર્ષ અને ઉજાસનો આ તહેવાર એક સાથે અનેક ભાવનાઓને પ્રકાશિત કરે છે. દિવાળી એટલે ઝિલમિલ ઝગમગાટનો તહેવાર. આ તહેવાર ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મનું કિંમતી રત્ન છે. દિવાળી ઉત્સવોનો ઉત્સવ છે. દિવાળી મહોત્સવ છે. આ એ મહોત્સવ છે જે દરેક વર્ગ, જાતિ, જ્ઞાતિનાં લોકોને પોતાની ખુશીઓ વ્યક્ત કરવાની તક આપે છે. ઊંચ-નીચનાં ભેદભાવ ખતમ કરીને ભાઈચારાની ભાવના પ્રગટાવે છે. આ તહેવાર માત્ર સાંસ્કૃતિક અથવા પૌરાણિક કથાઓ જ નહીં પણ કલાત્મક અને રચનાત્મક રીતે પણ મનની ભાવનાત્મક અભિવ્યક્તિઓને વહેવાની તક આપે છે. ખાસ – ખબર દિવાળી અને નવવર્ષનાં નવલા દિવસોમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને પત્રકારત્વનાં લેખકો – પત્રકારોનાં નૂતન વિચારોની અભિવ્યક્તિ સ્વરૂપે દિવાળી વિશેષાંકની વાંચકોને વિશેષ ભેટ ધરે છે.
ધનતેરસથી લાભપાંચમ સુધીનાં પાવન દિવસોનું મહામ્ય
ધનતેરસથી દિવાળી – નવવર્ષના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે. ધનતેરસ એટલે મા લક્ષ્મીને પૂજવાનો દિવસ. ધનની પૂજા અને આભૂષણોની ખરીદી બાદ કાળી ચૌદસ એટલે કકળાટને કાઢી દિવાળીના દિવસે રંગોળી, ફટાકડા અને ઝળહળતી રોશનીમાં જગતની તમામ કાળાશ, નકારાત્મકતા ત્યાગી તેજરૂપી હકારત્મકતા અપનાવવાનો દિવસ. દિવાળી એ અવસર છે અસત્ય પર સત્યની જીતનો. અહંકાર પર આદર્શનાં વિજયનો. દિવાળી એટલે દિવ્યતા, પ્રસન્નતા અને તેજસ્વીતાનો ઉત્સવ. ઈશ્વરીય શક્તિને વિધવિધ સ્વરૂપે સ્વીકારી અર્ચન કરવાનો ઉત્સવ અને ત્યારબાદ નવવર્ષ એ દિવસ છે નવશક્તિને પામવાનો. જૂના વેર-ઝેર ભૂલી નવવર્ષ નિમિત્તે પ્રેમપૂર્વક સૌને સાલમુબારક કરી સ્નેહ ફેલાવવાનો, આશીર્વાદ લેવા-દેવાનો દિન. જ્યારે ભાઈબીજ ભાઈ-બહેનનાં નિર્વ્યાજ પ્રિત તો લાભપાંચમ કોઈપણ શુભકાર્યનો પ્રારંભ કરવાનો પવિત્ર દિવસ છે. આમ, દિવાળી એટલે તહેવારોનું એક આખું ઝૂમખુ, દિવાળી તહેવારોની મહારાણી છે.
- Advertisement -
દિવાળી નું મહાત્મ
દિવાળીના દિવસે ભગવાન શ્રી રામને પોતાનું રાજ્ય મળ્યું. રાવણનો દશેરાનાં દિવસે વધ થઈ દિવાળીનાં દિવસે અન્યાય પર ન્યાયનો જય થયો. દિપઆવલીનો અર્થ થાય છે દિવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ= દિવડો અને આવલી= હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીનાં ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. દિવા પ્રગટાવી અંધકારમાંથી મુક્તિ મેળવી ઉજાસ તરફ ગતિ કરવાનો આ દિવસ એટલે દીપાવલી પર્વ. આનંદ અને ઉજાણી કરવાનો સૌ કોઈને હક છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દીપાવલી પર્વની કથા અલગ-અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે – આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય (બ્રાહ્મન). દીપાવલી પર્વ એ હર્ષનો દિવસ છે. આ દિવસ સાથે આપણા સૌનું જીવન હર્ષમય, આનંદમય બની રહે તેવા પ્રભુ આશિષ સાથે દિવાળીનાં ધમાકેદાર વધામણાં કરતાં નવવર્ષમાં પ્રયાણ કરીએ અને આપણા સૌનું જીવન રંગમય, રોશનીમય બને તથા આપણા સૌનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી ઈશ્ર્વરને પ્રાર્થના કરીએ.
બેસતા વર્ષ નું મહાત્મ
કાર્તિક સુદ એકમનાં દિવસે વિક્રમનું નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસને બલિપ્રતિપદા પણ કહેવામા આવે છે. ત્રિપદા ભૂમિ માગીને વામને બલિએ પાતાળમા મોકલી આપ્યો એવી કથા આ પાછળ રહેલી છે. તેજસ્વી વૈદિક વિચારોની ઉપેક્ષા કરી વર્ણાશ્રમ વ્યવસ્થાને ઉધ્વસ્ત કરનાર બલિનો વામને પરાભવ કર્યો. તેની સ્મૃતિમા બલિ પ્રતિપદાનો ઉત્સવ ઉજવાય છે. બલિ દાનશૂર હતો. તેના ગુણોનું સ્મરણ નવા વર્ષને દિવસે આપણને ખરાબ માણસોમાં રહેલા શુભત્વને જોવાની દ્વષ્ટી આપે છે. પ્રહલાદનો પુત્ર વિરોચન નાસ્તિક નીકળ્યો. તેની અસર તેના દિકરા બલી પર પડી. બલિએ સારુ રાજ કર્યુ ને આ દિવસે વિષ્ણુ ભગવાનની પ્રીતિ માટે ગોવર્ધનોત્સવ તેમજ અન્નકૂટ કરવાનુ વિધાન છે. બેસતા વર્ષનાં દિવસે જૂના વેર-ઝેર ભૂલી શત્રુનું પણ શુભચિંતન કરવું. નવું વર્ષ એટલે શુભ સંકલ્પનો દિવસ. જીવનને હળવાશથી જોવુ એ એક વાત છે ને બાલિશ બનવું બીજી વાત છે. જીવનમા ગાંભીર્ય રાખવુ એ એક વાત છે ને નિરાશાના વાદળોથી આવૃત્ત બની જીવન જીવવાની હિમત ખોઈ નાખવી એ બીજી વાત છે. નવા વર્ષે ઉત્સવનાં ઉલ્લાસની વચ્ચે પણ માનવે જિંદગીના મૂલ્યો, સૂત્રો, કર્તવ્યો સમજવા જોઈએ જેથી આપણે સૌ યોગ્ય દિશામાં પ્રગતિ સાધી શકીએ. ભોગ સ્વાર્થથી ગ્રસ્ત જીવનમાંથી માનવને ઉચો ઉઠાડનાર, જડવાદ તરફ અભિમુખ માનવને ઈશ્ર્વરાભિમુખ બનાવનાર, જૂના રાગદ્રેષો ભૂલાવી નવજીવનની નવતર પ્રેરણા આપનાર, લોહીનાં કણેકણમાં આશા અને ઉત્સાહનો સંચાર કરી આપણને નિત્ય યુવાન રહેવાનો સંદેશ આપનાર નવું વર્ષ આપણને સીને નવજીવનની દીક્ષા આપનારુ બની રહે એ જ પ્રભુ પાસે આ નવવર્ષ નિમિત્તે પ્રાર્થના કરીએ.
ભાઈ બીજનું મહાત્મ
કારતક સુદ બીજનો દિવસ એટલે ભાઈ બીજનો તહેવાર. ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનું પર્વ ભાઈબીજ તરીકે ઉજવવામાં છે. તેમાં પણ ભાઈબીજ ભાઈ-બહેનનાં પ્રેરણાદાયી સંબંધોનું પ્રતિક છે. નૂતન વર્ષનાં પ્રથમ દિવસ પછી આવતો બીજો દિવસ એટલે ભાઈબીજનો દિવસ. આ તહેવાર હજારો વર્ષોથી ભાઈબીજ અથવા યમદ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈબીજ અથવા યમદ્વિતિયાનાં દિવસે યમરાજે પોતાની બહેન યમીનાં ઘરે ભોજન કરીને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને તે ભાઈ પોતાની બહેનને ભેટ પણ આપશે. બીજુ વરદાન એ કે, આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહીં થાય. ભારતનાં કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં ભાઈબીજનાં દિવસે ગોધન પર્વ પણ ઉજવાય છે. તેમાં ગોબરની માનવ મૂર્તિ બનાવીને તેની છાતી પર ઈંટ મૂકીને સુહાગણ સ્ત્રીઓ તેને તોડે છે. બપોર પછી બહેન-ભાઈ યમ-યમીની પૂજા કરીને આ પર્વની ઉજવણી કરે છે. ઉત્તર ભારતમાં કેટલાક સ્થાનોએ આ પર્વ ગોવર્ધન પૂજા નામે મનાવાય છે. જેમાં ખેડૂતો ઘરના ગાય, બળદ વગેરે પશુઓની પૂજા અર્ચના કરે છે. ભાઈબીજનાં આ પવિત્ર દિવસ નિમિત્તે બહેન ભાઈનાં દિર્ઘાયુષ્ય માટે ઈશ્ર્વરને પ્રાર્થના કરે છે.
- Advertisement -
લાભ પાંચમ નું મહાત્મ
લાંભપાંચમને સૌભાગ્ય પાંચમ પણ કહેવાય છે. સૌભાગ્યનો અર્થ થાય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો. તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમાં શુભ લાભ સાથે ભાગ્ય અને ઉન્નતિ આવે છે. ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી. આજનાં દિવસની વિશેષ માન્યતા છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમને માટે આવનારું નવું વર્ષ લાભદાયી નીવડે. બેસતું વર્ષ બાદ નવવર્ષમાં ધંધા-રોજગારનાં શુભારંભ માટે લાભ પાંચમનો દિવસ અતિ ઉત્તમ ગણવામાં આવે છે અને આ દિવસથી જ ધંધા ફરી ધમધમતાં થાય છે.