વિક્કી કૌશલ આજે બોલિવુડનું એક જાણીતું નામ છે. વિક્કી કૌશલે પોતાની કરિયરની શરૂઆત વર્ષ 2015માં આવેલ ફિલ્મ ‘મસાન’થી કરી હતી. આ પહેલી જ ફિલ્મ માટે વિક્કીને ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ હેઠળ બેસ્ટ મેલ ડેબ્યૂ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ બાદ તેઓ પછી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા, જેમાં વર્ષ 2016માં આવેલ સાઈકોલોજીકલ થ્રિલર ફિલ્મ ‘રમન રાઘવ 2.0’, ત્યાર બાદ ‘રાઝી’ અને ‘સંજૂ’ જેવી ફિલ્મો ઉપરાંત ‘ઉરી’માં પણ તે જોવા મળ્યા હતા. આજે તેઓ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે.
- Advertisement -
16 મે 1988નાં રોજ થયો હતો જન્મ
વિક્કી કૌશલનો જન્મ 16 મે 1988નાં રોજ મુંબઈમાં થયો હતો. વિક્કી કૌશલનાં પિતાનું નામ શ્યામ કૌશલ છે, જે બોલિવુડનાં એક જાણીતા એક્શન ડાયરેક્ટર છે અને એક સ્ટંટ કોઓર્ડિનેટર તરીકે પણ કામ કરી ચુક્યા છે, જેમાં સ્લમડોગ મિલેનીયર, 3 ઈડિયટ્સ, બજરંગી ભાઈજાન જેવી ફિલ્મો સામેલ છે. વિક્કી કૌશલનાં ભાઈ સની કૌશલ પણ ફિલ્મોમાં એક્ટીવ છે. સનીએ સહ નિર્દેશક તરીકે ફિલ્મ ‘ગુંડે’ અને ‘માય ફ્રેન્ડ પિંટો’માં કામ કર્યું છે. વિક્કી કૌશલની માંનું નામ વીણા કૌશલ છે.
- Advertisement -
વિક્કી કૌશલે વર્ષ 2009માં મુંબઈનાં રાજીવ ગાંધી ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીથી મિકેનીકલ એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી છે. આમ તો વિક્કી પાસે આ કોર્સ કર્યા બાદ નોકરીનો ઓપ્શન હતો પણ વિક્કીની ઈચ્છા ફિલ્મોમાં કામ કરવાની હતી અને એક્ટર બનવાની હતી. આ જ ઈચ્છાને કારણે તેમણે બોલિવુડ તરફ પોતાનું વલણ દાખવ્યું. વિક્કીએ શરૂઆતમાં ‘લવ શવ તે ચીકન ખુરાના’ અને ‘બોમ્બે વેલવેટ’જેવી ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા હતા. આ ઉપરાંત, તેઓ શોર્ટ ફિલ્મ ‘ગીક આઉટ’માં જોવા મળ્યા, પરંતુ વિક્કી, માનવ કૌલ અને નસીરુદ્દીન શાહનાં ગ્રુપ સાથે થીએટર પણ કરી રહ્યા હતા.
‘ઉરી’ માટે મળ્યો હતો નેશનલ એવોર્ડ
વર્ષ 2010માં આવેલ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં વિક્કીએ એક સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં નીરજ ધાયવાન પણ સહાયક નિર્દેશક તરીકે કામ કરી રહ્યા હતા. બંનેની આ દરમિયાન સારી મિત્રતા થઇ ગઈ. આ ફિલ્મનાં સમાપ્ત થયા બાદ ફિલ્મ ‘મસાન’ બનાવવાનો વિચાર આવ્યો, જે માટે વિક્કી કૌશલને ઓડિશન માટે બોલાવવામાં આવ્યા. આ ફિલ્મમાં વિક્કીએ બનારસનાં યુવકનું પાત્ર ભજવ્યું હતું. મસાન બાદ વિક્કીની બીજી ફિલ્મ હતી ‘ઝુબાન’, જે વર્ષ 2016માં આવી હતી. ત્યાર બાદ તો વિક્કીએ પાછળ ફરીને જોયું જ નથી. વર્ષ 2018માં તેમણે મેઘના ગુલઝારની ફિલ્મ ‘રાઝી’માં આલિયા ભટ્ટ સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ આ જ વર્ષે તેઓ રણબીર કપૂરની ફિલ્મ ‘સંજૂ’માં પણ જોવા મળ્યા હતા. જ્યારે ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં શાનદાર અભિનય માટે વિક્કી કૌશલનેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.