જ્ઞાની પુરુષો કહે છે કે ઈશ્વર આપણી અંદર રહેલો છે, સુખ કે દુ:ખનો આધાર આપણા મન પર રહેલો છે. આત્માની સત્ય અવસ્થા સત્ત, ચિત્ત અને આનંદની હોય છે. એ પણ આપણી અંદર જ રહેલું છે.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
હવે પ્રશ્ર્ન એ થાય છે કે જો આ બધું આપણી ભીતર રહેલું જ છે તો એને પ્રાપ્ત કરવા માટે જપ, ધ્યાન, યોગસાધના, પ્રાણાયામ વગેરે કરવાની જરૂર શા માટે પડે છે?
આનો જવાબ ખૂબ સહેલો છે અને સુંદર છે. દૂધમાં માખણ હોવા છતાં આપણને તે દેખાતું નથી. એ મેળવવા માટે દૂધમાંથી દહીં બનાવીને પછી તેને વલોવવું પડે છે. તલમાં તેલ હોવા છતાં એને પ્રાપ્ત કરવા માટે કેટલીક પ્રક્રિયા કરવી પડે છે. ખેતરમાં ઊગેલા કપાસને શરીર પર ધારણ કરી શકાતું નથી. એ કપાસમાંથી વસ્ત્ર બનાવવું પડે છે. આવું જ આત્મસુખનું પણ છે. મનુષ્ય કોઇ સદગુરુ અથવા સિદ્ધ મહાત્માના માર્ગદર્શન દ્વારા સાધના કરીને પોતાની અંદર રહેલા દિવ્ય આનંદમય ચૈતન્યને ઓળખી શકે છે અને તેને પામી પણ શકે છે.
- Advertisement -
વરસાદ ભલે ધોધમાર વરસતો હોય પણ મનુષ્ય જો રેઇનકોટ પહેરીને ઊભો રહે તો તે ભીંજાવાનો આનંદ માણી શકતો નથી. તેવી જ રીતે અધ્યાત્મની અનરાધાર વર્ષામાં આપણે સહુ અજ્ઞાનનો રેઇનકોટ પહેરીને ઊભા છીએ. સાધના એ બીજું કશું જ નથી, માત્ર અજ્ઞાનનો આ રેઇનકોટ ઉતારીને ફેંકી દેવાની પ્રક્રિયા જ છે.


