ખાસ-ખબર સંવાદદાતા
સાતમ આઠમના પર્વ નિમિતે ઠેર ઠેર મેળાના આયોજન કરવામાં આવ્યા હતા જે મેળામાં બાળકોથી લઈને યુવાન તેમજ વૃદ્ધ લોકો પણ મોજ માણતા હોય છે તો બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત હળવદ પંથકમાં શ્રાવણિયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે ગામેગામ જુગાર રમતા શખ્સોને ઝડપી પાડીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતું હોવાનું ચોપડે બતાવવામાં આવતું હોય છે પરંતુ લોકો લોકમેળામાં પણ જુગાર રમવાનું ટાળતા નથી ત્યારે હળવદ તાલુકાના દેવળીયા ગામે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ મેળો જુગારનો અખાડો બની ગયો હોય તેવા દ્રશ્યો અહીં સર્જાયા હતા. હળવદના દેવળીયા ગામે આયોજિત મેળામાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ જુગારીઓએ હળવદ પોલીસનું નાક વાઢીને હાથમાં ધરી દીધું હોય તેવો ઘાટ સર્જાયો છે.
હળવદ તાલુકાના જુના દેવળિયા અને નવા દેવળિયા ગામ વચ્ચેની સીમમાં આવેલા ચરમરીયા દાદાના મંદિરે શનિવારે લોકમેળામાં જુગાર રમતાં શખ્સોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી અને પોલીસની કડકાઈ કેવી હોય એ સાબીત થઈ ગયું હતું. પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે, જુગારના રસિકો સાતમ આઠમના તહેવારોમાં જુગાર રમવાનું ભૂલતા નથી ત્યારે હળવદ તાલુકાના લોકમેળામાં પોલીસ કાર્યવાહીની બીક રાખ્યા વગર લોકોએ જાહેરમાં જુગારના હાટડાં ખોલી નાખ્યા હતા જેમાં ચરમારિયા દાદાના મંદિરે શનિવારે લોકમેળો યોજાયો હતો. આ લોકમેળામાં આજુબાજુના ગામના લોકો મેળાની મોજ માણી રહ્યા હતા તો બીજી તરફ નદીના પટમાં અમુક શખ્સો જુગારનો પાટલો રમતા હોવાનો વિડીયો હળવદ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે પોલીસનો મેળામાં બંદોબસ્ત હોવા છતાં પણ આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
દેવળિયા ગામે લોકમેળામાં ચાલતાં જુગારનાં હાટડાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો જોવા અહીં ક્લિક કરો…