રોમાંચક મેચમાં ગુજરાત જીત્યું : મિલરનાં 51 બોલમાં અણનમ 94 અને રાશિદના 21 બોલમાં 40 રન : 170ના ટાર્ગેટને 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને પાર પાડયો
મિલરે 8 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 51 બોલમાં અણનમ 94 રન ફટકારતાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે એક બોલ બાકી હતો, ત્યારે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. આખરી 18 બોલમાં ગુજરાતને 48 રનની જરુર હતી, ત્યારે જોર્ડનની બોલિંગમાં રાશિદે (21 બોલમાં 40) ત્રણ છગ્ગા અને ચોગ્ગો ફટકાર્યા હતા. આ ઓવરમાં ગુજરાતે 25 રન લીધા હતા. 19 ઓવરમાં ગુજરાતે 10 રન લીધા હતા અને બે વિકેટ ગુમાવી હતી. આખરી ઓવરમાં ગુજરાતને જીતવા 13 રનની જરુર હતી, ત્યારે જોર્ડને બે ડોટ બોલ નાંખ્યા હતા. મિલરે ત્યાર બાદ સિક્સર ફટકારી હતી. જે પછી જોર્ડને નોબોલ નાંખ્યો હતો અને આખરી 3 બોલમાં 6 રનની જરુર હતી, ત્યારે મિલરે ચોગ્ગા બાદ બે રન લેતા ટીમને જીતાડી હતી. ગુજરાતે 170ના ટાર્ગેટને 19.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. અણનમ 94 રન ફટકારનાર ડેવિડ મિલરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
અગાઉ ગાયકવાડે ફોર્મ મેળવતા 48 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 73 રન ફટકારતાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સ સામેની આઇપીએલ ટી-20માં લડાયક દેખાવ કરતાં પાંચ વિકેટે 169 રન કર્યા હતા. ગાયકવાડનો સાથ આપતાં રાયડુએ 46 રન નોંધાવ્યા હતા. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ 4 ઓવરમાં માત્ર 20 રન જ આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. અલઝારી જોસેફે 34 રનમાં બે વિકેટ ઝડપી હતી. રાશિદે 4 ઓવરમાં 29 રન આપ્યા હતા.


