207 પૈકી 87 ડેમ વૈશાખના ધોમધખતાં તાપમાં સૂકાભઠ્ઠ થઈ ગયા
120 ડેમમાં ઉનાળો કાઢે તેટલું પાણી હોઈ તંત્ર નિશ્ચિંત
- Advertisement -
નર્મદા, કરજણ, ઉકાઈ, દમણગંગા, ધરોઈ જેવા મોટા ડેમમાં 28%થી 53% પાણીનો સંગ્રહ
87 ડેમમાંથી 39 ડેમ તો ગેટ ધરાવતાં હોવા છતાં અસહ્ય તાપમાનને લીધે કોરાધાકોર
ખાસ ખબર રાજકોટ, તા.25
- Advertisement -
ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ સહિત કુલ 207 ડેમ-જળાશયો પૈકી 42.23 ટકા યાને 87 ડેમ તળિયાઝાટક હાલતમાં છે. આ પૈકી શૂન્ય ટકા પાણીવાળા 20 ડેમ છે, જ્યારે બાકીના 67 ડેમ જે 0.01 ટકાથી માંડીને 10 ટકા સુધી પાણીનો સંગ્રહ ધરાવે છે, તે પાણી ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. 87 ડેમમાંથી 39 ડેમ તો ગેટ ધરાવતાં હોવા છતાં અસહ્ય તાપમાનને લીધે કોરાધાકોર થઈ ગયા છે. રાજ્યમાં વૈશાખમાં અગનવર્ષા થઈ રહી છે ત્યારે આ સ્થિતિ પીવાના પાણીની ગંભીરતા છતી કરે છે.
સરકારી તંત્ર જો કે એવો દાવો કરે છે કે, જુલાઈના અંત સુધી પીવાના પાણીની અછત સર્જાય તેવી કોઈ સ્થિતિ નથી, કેમ કે બાકીના 120 ડેમ 10.28 ટકાથી માંડીને 70 ટકાનો સંગ્રહ ધરાવે છે, જ્યારે મોરબીના બે ડેમ, મચ્છુ-3 અને ઘોડાધ્રોઈ, સુરેન્દ્રનગરનો વંસલ, મહીસાગરનો વણાકબોરી તેમજ કચ્છનો ટપ્પર તથા કાલાઘોડા ડેમ છલોછલ ભરેલાં છે. રાજ્યા મોટા ડેમ પૈકી કડાણા ડેમમાં 45.26 ટકા, કરજણ ડેમમાં 53 ટકા, ધરોઈમાં 41.65 ટકા, ઉકાઈમાં 39.82 ટકા તથા દમણગંગા જળાશયમાં 28.13 ટકા પાણીનો સંગ્રહ છે, જ્યારે નર્મદા ડેમમાં 32 ટકા જેટલો જથ્થો વાપરી શકાય તેવો છે.
મહત્ત્વનું છે કે રાજ્યમાં એપ્રિલ માસથી પાણીના પોકારો શરૂ થઈ ગયા હતા. રાજ્યમાં વધી રહેલી ગરમીની સીધી અસર ડેમના પાણી પર પડી રહી છે. ભારે ગરમીના કારણે પાણીનું બાષ્પીભવન થઈ રહ્યું છે. 25 ટકા ડેમમાં 5થી 10 ટકા જેટલું પાણી છે જ્યારે 20 ડેમમાં 0 ટકા પાણી છે. 42 ડેમમાં 1થી 2 ટકા જેટલું પાણી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના 10થી વધુ તાલુકામાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.



