જય શ્રી ‘રામ’
રાજકોટના પેરા પાવર લિફ્ટર રામ બાંભવા ચીનમાં પેરા એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
- Advertisement -
રામ બાંભવા 3 વર્ષની વયથી પોલીયોનો શિકાર, છતાં શારીરિક ખોડને ક્યારેય બાધારૂપ બનવા ન દીધી
મન હોય તો માળવે જવાય…એ ઉક્તિને રાજકોટના રામ બાંભવાએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. રાજકોટના યુવાન ખેલાડી રામભાઇ બાબુભાઇ બાંભવાએ જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કરી પેરા પાવર લિફ્ટર ગેમ્સમાં વિદેશની ધરતી પર ભારતનો ડંકો વગાડ્યો છે. એટલું જ નહીં રામ બાંભવાની અથાગ મહેનત રંગ લાવતા પેરા એશિયન ગેમ્સ માટે ભારત તરફથી તેઓની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત ઓક્ટોબરમાં ચીનમાં યોજાનાર પેરા એશિયન ગેમ્સમાં ભાગ લેશે અને દેશનું પ્રતિનિધિત્વ કરી દેશ, ગુજરાત અને રાજકોટનું નામ રોશન કરશે.
ખેલાડી રામ બાંભવાએ યુવાન વયથી જ અભ્યાસની સાથે સાથે પેરા પાવર લિફ્ટર ગેમ્સમાં ભાગ લેવાની શરૂઆત કરી દીધી હતી. તેઓ તેમના કોચ ફરમાન બાસાના માર્ગદર્શન હેઠળ સતત 4 વર્ષથી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી રહ્યા છે અને ગુજરાત અને રાજકોટનું નામ રાષ્ટ્રીય સ્તરે ઝળકાવી રહ્યા છે. તેઓ અન્ડર 72 કિ.ગ્રા.ની કેટેગરી ધરાવે છે.
- Advertisement -
વર્ષ 2018થી બેંગલોરની સ્પોર્ટસ ઓથોરીટી બેંગ્લોર એકેડમી સાથે જોડાયેલા છે. કોચ ફરમાન બાસાના માર્ગદર્શન હેઠળ 2018માં દિલ્હી ખાતે જુનીયર અન્ડર-20માં ભાગ લઇ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ત્યારબાદ 2022માં સાઉથ કોરીયા ખાતેની ગેમ્સમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ઉપરાંત તાજેતરમાં જ ઓગષ્ટમાં દુબઇ ખાતે વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ટોટલ કે.જી. ગૃપમાં 161 કિ.ગ્રા. વજન ઉંચકી છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો.
રામ બાંભવાને 3 વર્ષના હતા ત્યારે તાવના લીધે પોલીયા થઇ ગયો હતો. પોલીયો થવાથી તેમનું શરીર ક્ષીણ થઇ ગયું હતું. પરંતુ તેમના પિતાએ કોઠાસૂઝથી ગાય-બકરીનું દૂધ પીવડાવી ફરી તંદુરસ્તી બક્ષી હતી. 25 વર્ષીય રામ બાંભવાએ સમાજશાસ્ત્ર વિષય સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેઓ પાવર લિફ્ટીંગની સાથોસાથ અભ્યાસમાં પણ અવ્વલ છે. તાજેતરમાં જ તેમણે તલાટીની પરીક્ષા પણ ઉતીર્ણ કરી છે.
તાજેતરમાં દુબઇમાં વર્લ્ડ ચેમ્પિયશિપમાં ટોટલ કે.જી. ગ્રુપમાં રામ બાંભવાએ છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો
સતત 4 વર્ષથી દેશ-વિદેશમાં સ્પર્ધાઓમાં ભાગ લઇ સુવર્ણ ચંદ્રકો પોતાના નામે કરી રહ્યા છે
નાનપણથી જ ક્રિકેટનો શોખ ધરાવતા રામ બાંભવાએ તેની શરીરની ખોડ ક્યારેય પણ આડે આવવા દીધી નથી. શાળામાં અભ્યાસ કરતી વેળા મિત્રો સાથે ગલી ક્રિકેટ પણ અતિ ઉત્સાહથી રમ્યા હતા. 2017માં પાવર લિફ્ટીંગની શરૂઆત કરનાર રામભાઇ ગોળા ફેંક, ભાલા ફેંક અને ચક્ર ફેંક રમતો પણ રમી ચૂક્યા છે. એટલું જ નહીં તેઓ ભાલા ફેંક અને ગોળા ફેંકમાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવી ચૂક્યા છે અને રાષ્ટ્રીય કક્ષાએ ક્વોલિફાઇડ પણ થયા હતા. તેમણે તેમની કારર્કિદીની શરૂઆત 2010માં ખેલ મહાકુંભથી કરી હતી. જેમાં તેમણેે ભાલા ફેંક અને ગોળા ફેંકમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. તેઓ તેમને રમવાની પ્રેરણાથી કઇ રીતે મળી? એ પ્રશ્નનો જવાબ આપતા જણાવે છે કે, તેમને નાનપણથી જ રમતનો શોખ હતો. પોલીયોની અસર હોવા છતાં તેમણે તેની ખામીને ભૂલવાડી પહેલેથી જ અથાગ મહેનત કરી છે. તેની શારીરિક અડચણને ક્યાંય બાધારૂપ બનવા દીધી નથી. પરીવારનો પણ સંપૂર્ણ સહયોગ મળતો રહ્યો હોવાથી તેઓ તેમના સપના સાકાર કરવાને સક્ષમ બન્યા છે. તેઓએ પાવર લિફ્ટીંગની ખરી શરૂઆત 2017થી કરી હતી. સ્ટેટ પેરા પાવર લિફ્ટીંગ ચેમ્પીયનશીપ-2017માં પ્રથમ વખત ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને રાજકોટનું ગૌરવ વધાર્યું હતું. ત્યારબાદ પેરા પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી પ્રથમ ક્રમ મેળવી પસંદગી પામી વર્લ્ડ પેરા પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સમગ્ર વિશ્વના સ્પર્ધકોમાંથી તેઓ છઠ્ઠા ક્રમે પસંદગી પામ્યા હતા. સતત જ વર્ષથી સુવર્ણ ચંદ્રક મેળવી પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનાર રાજકોટના 25 વર્ષીય પેરા પાવર લિફ્ટર ખેલાડી રામ બાંભવાની ભારતમાંથી ચીન ખાતે યોજાનાર પેરા એશિયન ગેમ્સ માટે પસંદગી થતા તેઓ 15મી ઓક્ટોબરના રોજ ચીન જવા રવાના થશે. જ્યાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતના એક માત્ર પેરા પાવર લિફ્ટર ખેલાડી રામભાઇ ચીનમાં પેરા એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક મેળવી ભારતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવાઇ રહી છે.
રામ બાંભવા રાજકોટની ‘ફિટ ફર્સ્ટ’ જીમમાં ટ્રેઈનિંગ લઈ રહ્યા છે
રાજકોટના પેરા પાવર લિફ્ટર ખેલાડી રામ બાંભવા જે જીમમાં ટ્રેઈનિંગ લઇ રહ્યા છે, તે આધુનિક કસરતના સાધનોથી સજ્જ છે. રાજકોટના નાના મવા સર્કલ, 150 ફૂટ રીંગ રોડ પર આવેલું ફિટ ફર્સ્ટ જીમ વિશેષ ખાસિયતો ધરાવે છે. રાજકોટનું આધુનિક અને વિશાળ જગ્યામાં પથરાયેલા ફિટ ફર્સ્ટ જીમમાં બિઇંગ સ્ટ્રોંગના એડવાન્સ ઈક્વિપમેન્ટ આવેલા છે. તેમજ ફિટ ફર્સ્ટ જીમના તમામ ટ્રેઇનર સર્ટીફાઇડ અને વેલ ટ્રેઇન્ડ છે. ફિટ ફર્સ્ટ જીમના તમામ ટ્રેઇનર જીમમાં આવનાર તમામને તંદુરસ્ત જીવનશૈલી જીવવા અને જાળવી રાખવાના પાઠ ભણાવે છે અને પ્રેરણા પૂરી પાડે છે તેમ ફિટ ફર્સ્ટ જીમના ઓનર ક્રિપાલસિંહ ચાવડાએ જણાવ્યું હતું.