ગૂંગળામણ ના થાય એ માટે એક્ઝોસ્ટ ફેન, વરસાદી પાણી પણ ન ભરાવાની ગેરંટી
7 રેલવેટ્રેક કવર કરશે
- Advertisement -
55 કરોડનાં ખર્ચે બનેલા અન્ડરપાસમાં બંને તરફ 3-3 મળી 6 લેન બનાવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્માર્ટસિટી સુરતમાં સતત વધી રહેલી જનસંખ્યાને ધ્યાને રાખી મહાનગરપાલિકા ટ્રાફિકનું ભારણ ન વધે તે માટે દર વર્ષે નવા રોડ અને બ્રિજ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ત્યારે ઓક્ટોબર 2020થી શરૂ થયેલા લિંબાયતને ડિંડોલીથી જોડતા અંડરપાસનું કામ પૂર્ણતાને આરે છે અને ફેબ્રુઆરી મહિનામાં લોકો માટે શરૂ કરી દેવાશે તેવી શકયતા છે. આ અંડરપાસ ઘણીબધી રીતે વિશેષ છે. નંદનવન સોસાયટી પાસે ભેસ્તાન ઓવરબ્રિજ પર એપ્રોચ બન્યા બાદ લિંબાયતના લોકોને ભેસ્તાન માટેની કનેક્ટિવિટી સીધી મળી રહેશે. ફેબ્રુઆરીથી લોકો માટે ખુલ્લા મુકાનારા આ અંડરપાસ બ્રિજથી પ્રતિદિન 50 હજારથી વધુ વાહનચાલકોને આ અંડરપાસનો લાભ મળી શકશે. આ અંડરપાસમાં ફાયર સેફ્ટી અને લોકોને ગૂંગળામણ ન થાય તે પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે.
સુરતનો પ્રથમ કહી શકાય એવો રેલવે અન્ડરપાસનું નિર્માણ કાર્ય જાન્યુઆરીમાં પૂર્ણ થઈ જશે. નવાગામ-લિંબાયત વિસ્તારને જોડતો હોવાથી આ નિલગીરી રેલવે અન્ડરપાસનું નિર્માણ કરાતાં રોજના 50 હજારથી વધુ વાહનચાલકોને સીધો ફાયદો થશે. ખાસ કરીને લોકોને રોજના થતા લાંબા ચકરાવામાંથી મોટી રાહત મળશે. વળી, હીટ વેન્ટિલેશન એર-કન્ડિશનિંગ (એચવીએસી) અને ફાયર સિસ્ટમ ધરાવતો આ અંડરપાસ સમગ્ર રાજ્યનો પહેલો અંડરપાસ બનશે. આ અંડરપાસ બનાવવામાં પાલિકાને 55 કરોડ જેટલો ખર્ચો થયો છે. અંડરપાસમાં બંને તરફ ત્રણ-ત્રણ મળી કુલ સિક્સ લેન બનાવી હોવાથી ભવિષ્યમાં પણ ટ્રાફિક સમસ્યા નહીં રહે અને વાહનવ્યવહાર સરળ બનશે એવો પાલિકાનો દાવો છે.
આ અંડરપાસ માત્ર હળવા વાહનો માટે જ છે. મોટાં વાહનો જઇ શકે તેમ નહીં હોવાથી જો કોઈવાર આગ જેવી ઘટના બ્રિજની અંદર થાય તો તેને રોકવા માટે પાલિકાએ 10 લાખ રૂપિયાના ખર્ચે અંડરપાસમાં સુવિધા ઊભી કરી છે. અંડરપાસની બન્ને તરફ 4 ઇંચની પાઈપ લગાડવામાં આવી છે. જો આગ લાગે તો બહારથી પાણીનું કનેક્શન પાઇપમાં જોડીને અંદર 15-20 મીટરના અંતર લગાડવામાં આવેલા નોઝલથી પાણી અંદર સુધી પહોંચાડી શકાય છે. વધુમાં જાણવા મળેલી માહિતી પ્રમાણે અંડરબ્રિજનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે અને હાલ ફિનિશિંગનું કામ ચાલુ છે. સંભવત: ફેબ્રુઆરી મહિનામાં વાહનચાલકો માટે ખોલી દેવામાં આવશે.
- Advertisement -
180 મીટર જેટલો લાંબો અંડરપાસ હોવાથી વરસાદી સિઝનમાં પાણી ભરાવવાની પૂરી શક્યતા છે. જેને ધ્યાને રાખી પાલિકા દ્વારા 40 હજાર લિટરની બે ટાંકીઓ બનાવવામાં આવી છે અને ચાર પંપ લગાડવામાં આવ્યા છે. જેનો ઉપયોગ પાણી કાઢવા માટે કરવામાં આવશે. વધુમાં કહી શકાય તેમ સાત રેલવે ટ્રેકની નીચેનો સંભવત: રાજ્યમાં પ્રથમ અંડરપાસ છે. 60 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા અંડરપાસ માટેના મોટા ભાગનાં તમામ કાર્યો પૂર્ણ થઇ ગયાં છે અને હવે ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલુ છે. મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અંડરપાસનું કામ ટૂંકમાં જ પૂરું થઇ જશે. અંડરપાસ શરૂ થતા મોટી સંખ્યામાં વાહનચાલકોને ફાયદો થશે. વરસાદી પાણી નહીં ભરાય એ માટે સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન, ડિસ્પોઝલ પોઇન્ટ પણ છે.