સમાજને એક નવી દિશા, નવી વિચારધારા અને નિર્મળ ભાવનાનો સંદેશ
રૂડાનગર, કાલાવડ રોડ પરના આ ઐતિહાસિક ધર્મસ્થાનક ઉપાશ્રયનું ઉદ્ઘાટન દુબઇના બાળકો દ્વારા કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના જૈન સમાજના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવસભર અધ્યાયનો ઉમેરો થવા જઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ગુજરાતમાં સૌપ્રથમવાર ખેતાણી પરિવારની અનુમોદિત ભાવનાથી નિર્મિત ‘તકતી મુક્ત’ જૈન ધર્મસ્થાનકનું ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે જૈન સમાજને એક નવી દિશા, નવી વિચારધારા અને નિર્મળ ભાવનાનો સંદેશ આપ્યો છે, જે સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બનશે. આ અનોખા અને ઐતિહાસિક ધર્મસ્થાનકનું ઉદ્ઘાટન તારીખ 11/1/2026, રવિવારના રોજ રૂડાનગર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે. જૈન ઇન્ટરનેશનલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન સંચાલિત કાલાવડ રોડ, ઇસ્કોન મંદિર પાછળ રૂડાનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા નિર્મિત આ ઉપાશ્રયની વિશેષતા એ છે કે, અહીં કોઈ પણ દાતાનું નામ, કુટુંબ, કે વ્યક્તિગત ઓળખ દર્શાવતી કોઈ તકતી લગાવવામાં આવી નથી. આ વિચારધારા પાછળ 2021માં પૂજ્ય સદગુરુદેવ પારસમુનિ મહારાજ દ્વારા વ્યક્ત કરાયેલી વિચારધારા છે કે, જૈન સમાજનું ઉત્થાન ત્યારે જ શક્ય છે જ્યારે ધર્મસ્થાનકો તકતી મુક્ત બને અને કાર્યક્રમો સ્ટેજ મુક્ત બને. આજે એ વિચાર સાકાર સ્વરૂપે રાજકોટમાં રૂપ થયો છે. આ પવિત્ર ઉદ્ઘાટન પ્રસંગ ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગુરુદેવ ગિરીશચંદ્રજી સ્વામીના સુશિષ્ય ગુજરાત રત્ન સુશાંતમુનિ મહારાજ તથા મહામંત્ર પ્રભાવ ગુરુદેવ જગદીશમુનિ મહારાજના શિષ્યરત્ન સદગુરુદેવ પારસમુનિ મહારાજના સાનિધ્યમાં યોજાશે. મુખ્ય ઉદ્ઘાટક તરીકે ધીરજલાલ કાંતિલાલ જૈન અને મમતાબેન જૈન (જૈનમ-જીવિકા જૈન, દુબઈ)ના વરદ હસ્તે ઉદ્ઘાટન વિધિ સંપન્ન થશે. નવ નિર્મિત ઉપાશ્રય સ્થાનકવાસી જૈન પરંપરા અનુસાર આરાધનાને અનુકૂળ બનાવવામાં આવ્યો છે. વર્તમાન સમયની ચતુર્વિધ સંઘની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને રચાયેલ આ ધર્મસ્થાનક સાધુચર્યાને અનુકૂળ, શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર છે. ઉદ્ઘાટન પ્રસંગે દેવેન્દ્રમુનિ મહારાજ, જશ-ઉત્તમ-પ્રાણ પરિવાર, સંઘાણી સંપ્રદાય, લીંબડી સંપ્રદાય સહિત રાજકોટમાં બિરાજમાન અનેક સંત-સતીરત્નો ઉપસ્થિત રહેશે. સમસ્ત જૈન સંઘો, દાતાઓ, જૈન અગ્રણીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજકોટમાં યોજાનારા આ તમામ કાર્યક્રમો માત્ર ધાર્મિક પ્રસંગો નથી, પરંતુ જૈન સમાજની વિચારધારા, સેવાભાવ, નિર્મળ દાનભાવના અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત પ્રદર્શન છે. ‘તકતી મુક્ત’ ઉપાશ્રય, બાળ વયે જૈનમ-જીવિકાનું જૈનીઝમ પ્રચાર કાર્ય, જૈન ભોજનાલયની નિસ્વાર્થ સેવા અને ગુરુદેવની અખંડ મૌન સાધના. આ બધું મળીને જૈન સમાજ માટે એક નવી યુગપ્રવર્તક દિશા નિર્ધારિત કરે છે.
વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર (સાવરકુંડલા વાળા, હાલ મુંબઈ) દ્વારા મુખ્ય લાભાર્થી સ્વરૂપે આ ઉપાશ્રયનું નિર્માણ થયું છે. ખેતાણી પરિવારની વિશેષતા એ છે કે તેઓ દાન કરે છે, પરંતુ પ્રચારથી દૂર રહે છે. મુખ્ય લાભાર્થી હોવા છતાં ઉદ્ઘાટન પ્રસંગે પોતે ઉપસ્થિત ન રહેવાની તેમની પરંપરા જૈન સમાજમાં અનોખી ગણાય છે. આ પરિવાર છેલ્લા લગભગ 45 વર્ષથી સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર અને તેરાપંથ ચારેય ફિરકાના સંત-સતીજીની સ્વદ્રવ્યથી વૈયાવચ્ચ કરી રહ્યો છે. હજારો સંત-સતીજી માટે ખેતાણી પરિવાર ‘સાચા અમ્મા-પિય્યા’ સમાન ગણાય છે.
ખાસ ખબરના આંગણે પધારેલા સદગુરુદેવ પારસમુનિ મહારાજએ સમગ્ર ખાસ ખબર પરિવાર અને ખાસ ખબર ન્યૂઝના એમડી પરેશભાઇ ડોડીયા અને પત્રકાર ભવ્ય રાવલને આશિર્વચન પાઠવ્યા હતા.
- Advertisement -
રાજકોટમાં સૌપ્રથમવાર જૈન ધર્મ પર સેમિનાર
રાજકોટ શહેરમાં એક વધુ ઐતિહાસિક ઘટના તરીકે તારીખ 10/1/2026, શનિવારના રોજ સાંજે 5:00 કલાકે જૈનમ-જીવિકા જૈન દ્વારા જૈન ધર્મ પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર આત્મીય વિશ્વવિદ્યાલયના ઓડિટોરિયમ, કાલાવડ રોડ ખાતે યોજાશે. માત્ર 14 વર્ષના જૈનમ જૈન અને 11 વર્ષની જીવિકા જૈન – આ ભાઈ-બહેન જૈનીઝમ પર મોટીવેશનલ સ્પીચ આપશે. જૈન ધર્મ શું છે, રોજિંદા જીવનમાં તેને કેવી રીતે અપનાવી શકાય, પાંચ પર્વતિથિનું વૈજ્ઞાનિક મહત્વ, અને જૈન જીવનશૈલીના લાભો જેવા વિષયો પર તેઓ મનનીય વક્તવ્ય આપશે.આ સેમિનાર નિ:શુલ્ક છે અને બાળકો માટે ખાસ પ્રેરણાદાયક રહેશે.
જૈન ભોજનાલય :
સેવા, સમર્પણ અને સહયોગનો ત્રિવેણી સંગમ
જૈન સંકલ્પ ટ્રસ્ટ મુંબઈ અને ઉંઈંટઘ – રાજકોટના સંયુક્ત પ્રયાસથી સંચાલિત જૈન ભોજનાલયને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આજથી ત્રણ વર્ષ પૂર્વે જૈન ભોજનાલયની વિજયભાઈ રૂપાણી અને જીતુભાઈ બેલાણીના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી. તે શરૂઆતની સંખ્યા 67 હતી અત્યારે આ સંખ્યા 600થી પણ વધુ છે. આ ત્રણ વર્ષમાં 5,83,821થી વધુ સાધર્મિકોએ ભોજનનો લાભ લીધો છે. ટ્રસ્ટીગણે તમામ દાતાઓ, શ્રેષ્ઠીઓ અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો છે.
પારસમુનિ મહારાજ
એક વર્ષ અખંડ મૌન સાધનામાં પ્રવેશ કરશે
જૈન સમાજ માટે અત્યંત દુર્લભ અને ગૌરવસભર ઘટના તરીકે સદગુરુદેવ પારસમુનિ મહારાજ મહાશિવરાત્રિ તારીખ 15/2/2026થી મહાશિવરાત્રિ 7/3/2027 સુધી અખંડ મૌન સાધનામાં પ્રવેશ કરશે. આ એક વર્ષ દરમિયાન સદગુરુ દેવ પારસમુનિ મહારાજ દરરોજ સવારે 11 થી 12 ની વચ્ચે એક કલાક જ દર્શન માટે બહાર આવશે પરંતુ મૌન તેમનું અખંડ જ રહેશે. આ અવસરે વણિક જૈન સંઘ-કાલાવડ અને ગુરુભક્તો દ્વારા આરાધના-અનુમોદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ વર્ષ 2017માં મુંબઇ ખાતે 200 દિવસ સુધી પારસમુનિ મહારાજે મૌન સાધના કરી હતી.
કાલાવડમાં વિશ્ર્વનું પ્રથમ જૈન સંસ્થાનું અન્નક્ષેત્ર ચાલે છે
કાલાવડમાં જૈન સંસ્થા દ્વારા તમામ સમાજ માટે નિ:શુલ્ક અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જે વિશ્વનું પ્રથમ જૈન સંસ્થાનું અન્નક્ષેત્ર છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભાવિકો પ્રસાદનો લાભ લ્યે છે. આ ઉપરાંત અનેક જીવદયા સહિતના સેવા કાર્યો વર્ષ દરમિયાન કરવામાં આવે છે.
સદ્ગુરુ પારસમુનિ મહારાજનો પ્રેરણાદાયક સંદેશ
હ પુરુષાર્થ વગર કમાયેલી સંપત્તિ લાંબા સમય સુધી ટકતી નથી
હ આજનો યુવાન વ્યસન અને ખોટી સુખની ભ્રમણામાં ફસાઈ રહ્યો છે
હ આજના યુવાનો અભ્યાસ કે કારકિર્દી માટે દેશ છોડીને બહાર ન જાય, પરંતુ અહીં રહીને જ પોતાની પ્રતિભા, બુદ્ધિ અને સર્જન શક્તિ દેશના વિકાસ માટે ઉપયોગમાં લે. ભારત પાસે અપરંપાર તકો છે.
હ ઓનલાઇન ખરીદી ઘટાડી સ્થાનિક દુકાનો અને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરો જેથી પૈસો દેશની અંદર જ ફરતો રહેશે અને આર્થિક માળખું મજબૂત
હ લોકોએ અંધશ્રધ્ધામાંથી બહાર આવી જ્ઞાન કેળવવું પડશે. તે માટે ધાર્મિક ગ્રંથોનું વાંચન વધારવું પડશે તો જ ખ્યાલ આવશે કે ભારતવર્ષના મહાપુરૂષોએ શું કાર્ય કર્યું હતું.
હ અત્યારના સમયમાં બાળકોમાં મોબાઇલનું વળગણ વધુ જોવા મળે છે તેની પાછળ સૌથી મોટું કારણ છે કોરોના સમયમાં ઓનલાઇન અભ્યાસ. ત્યારે હવે બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે માતા-પિતાએ પણ મોબાઇલના વપરાશ પર કંટ્રોલ રાખવો અત્યંત જરૂરી છે.



