ડિજિટલ ગુજરાતમાં ક્રાંતિ લાવશે ચેટબોટ સરકાર બે મહિનામાં જ ગુજરાતી ચેટબોટ લૉન્ચ કરશે
લોન જોઇએ છે ? આવકનું પ્રમાણપત્ર જોઇએ છે? સબસિડી કેવી રીતે મળશે? સહિતની તમામ માહિતી સિંગલ વિન્ડોમાં મળી જશે
- Advertisement -
ચેટબોટ ગુજરાત સરકારની દરેક વિભાગીય વેબસાઈટ, મોબાઈલ એપ અને વોટ્સએપ પર ઉપલબ્ધ થશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત હવે દેશનુ પ્રથમ રાજ્ય બનવા જઇ રહ્યું છે જ્યાં નાગરિકો માત્ર ગુજરાતીમાં બોલીને અથવા લખીને માત્ર 5થી 10 સેક્ધડમાં તમામ સરકારી માહિતી મેળવી શકશે. કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલય દ્વારા સંચાલિત એઆઈ ટૂલ્સ ભાષીણીના સીઈઓ અમિતાભ નાગે જણાવ્યું કે આ ટૂલ્સ ગુજરાતના ડિજિટલ ગવર્નન્સમાં સૌથી મોટી ક્રાંતિ સાબિત થશે. તેમણે જણાવ્યું કે આ ચેટબોટ ખેડૂતો અને નાગરિકોને તેમની ભાષામાં જવાબ આપશે. જેમ કે, લોન ક્યાંથી મળશે? આવકનો પુરાવો કેવી રીતે મળશે? કયા દસ્તાવેજો જરૂરી છે? આ ચેટબોટ ગુજરાતના દરેક નાગરિકને તેની ભાષામાં સરકારી માહિતી સીધી તેના હાથમાં પહોંચાડશે.
સરકારી સૂત્રોના કહ્યા પ્રમાણે, આ ચેટબોટ ગુજરાત સરકારની દરેક વિભાગીય વેબસાઈટ, મોબાઈલ એપ અને વોટ્સએપ પર ઉપલબ્ધ હશે. નાગરિકો માત્ર પૂછશે કે મારી આવક 2 લાખ છે, તો મને કઈ યોજનાનો ફાયદો મળશે? હોમ લોન યોજનાનો ફાયદો કઇ રીતે મેળવી શકું? આવી અનેક મૂંઝવણોનો ચેટબોટ તત્કાલ ગુજરાતી ભાષામાં જવાબ આપશે, એટલું જ નહીં, જવાબ સાથે વિકલ્પો, પ્રક્રિયા અને પાત્રતા પણ જણાવશે. ચેટબોટ માત્ર સરકારી માહિતી નહીં,પરંતુ હવામાન કેવું રહેશે ? આગાહી સહિતની જાણકારી ખેડૂતોને આપશે. વિદ્યાર્થી-યુવા-મહિલા તમામ વર્ગો માટે, સ્કોલરશિપ, વેરિફિકેશન, લાઈસન્સ, પેન્શન એટલે કે દરેક માહિતી આપીને સીંગલ વિન્ડો જેવી ભૂમિકા ચેટબોટ પુરી પાડશે.
કેવી રીતે ટેકનોલોજી કામ કરશે ?
વોટ્સઅપ, સરકારી વેબસાઇટ અને ચેટબોટ ડાઉન લોડ કરી શકાય તેવી સુવિધા બે મહિનામાં ગુજરાતને મળશે તેમ ભાષિણિના સીઇઓ અમિતાભ નાગે જણાવ્યું હતુ. આ મોડલ એવું છે કે, ગુજરાતની લોકબોલીમાં જવાબ આપશે. સરકારનો એવો દાવો છે કે, આ ચેટબોટ ગુજરાતમાં ભાષા આધારિત એઆઇ ગવર્નન્સનો પાયો નાખશે અને બની શકે કે, આ મોડલ દેશમાં દષ્ટાંતરૂપ સાબિત થાય. રાજ્યના કોઇપણ વ્યકિતને માહિતી મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. અત્યાર સુધી સરકારી પોર્ટલ પર આ માહિતીઓ હતી, પણ કઇ જાણકારી કેવી રીતે મળે તેનું જ્ઞાન જ મોટાભાગના નાગરિકોને ન હોવાથી કચેરીઓએ રૂબરૂ પહોંચવું પડતું હતું.
- Advertisement -
કઇ જાણકારી મળશે?
ક્ષ અરજી કેવી રીતે કરવી,પાત્રતા છે કે નહીં,લાભ કેટલો મળશે
ક્ષ તમારી આવકના આધારે કઇ યોજનાનો લાભ મળી શકે
ક્ષ આવકનો દાખલો મેળવવા કયા કયા પ્રમાણપત્રો જોઇએ
ક્ષ જાતિ પ્રમાણપત્ર કઇ રીતે મળે
ક્ષ લોન કઇ રીતે, કયાંથી મળશે
ક્ષ સબસીડીની જાણકારી
ક્ષ આરોગ્ય સેવાઓની માહિતી
ક્ષ સ્કૂલ-કોલેજની સ્કોલરશીપ
ક્ષ વીજળી,પાણી, રેશનીંગ,હાઉસીંગની માહિતી
ક્ષ જમીન રેકોર્ડ ક્ષ ફરિયાદ દાખલ કરવાની પધ્ધતિ
મોડલ કઇ રીતે બનશે ગુજરાતની ઓળખ ?
1. એઆઇ+ લોકભાષા : સરકાર અને પ્રજા વચ્ચેનું અંતર ઘટી જશે.
2. વ્હોટ્સએપ ઇન્ટીગ્રેશન ગુજરાતને સૌથી વધારે આગળ રાખશે.
3. એઆઇને મેહોણી અને કાઠિયાવાડી બોલીને શીખવીને ગુજરાતનો દેશનો સૌથી મોટો પ્રયોગ કરવા જઇ રહ્યું છે
4. ભવિષ્યમાં બિલ્ડીંગની મંજૂરી,ટેક્સ,કોર્ટ કેસ સ્ટેટસ પણ જોડાઇ શકે છે.
સુત્રો ત્યાં સુધી કહે છે કે,આ મોડલ સ્કેલેબલ છે અને આગામી 2થી3 વર્ષમાં ચેટબોટ 200થી વધારે સેવાઓ આપશે



