ઇન્ડિયન સ્ટુડન્ટ્સનો ફોરેન સ્ટડીમાં સતત વધતો ક્રેઝ, વાર્ષિક 15%નો વધારો
ખાસ-ખબર સંવાદદાતા
વર્ષ 2025માં વિદેશમાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 20 લાખની નજીક પહોંચવાનો અંદાજ છે. એક રિપોર્ટ અનુસાર, 2019માં લગભગ 10.9 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હતા. સાત ટકાના વધારા સાથે આ આંકડો 2022માં 13 લાખ 24 હજાર સુધી પહોંચી ગયો છે. હવે આ મામલે વાર્ષિક 15 ટકાનો વધારો થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર પંજાબ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યા છે. અભ્યાસ માટે વિદેશ ગયેલા લોકોમાં 12.5 ટકા પંજાબમાંથી, 12.5 ટકા આંધ્ર-તેલંગાણાના, 12.5 ટકા મહારાષ્ટ્રમાંથી, 8 ટકા ગુજરાતમાંથી, 8 ટકા દિલ્હી/ગઈછ માંથી, 8 ટકા તામિલનાડુમાંથી, 6 ટકા કર્ણાટકના અને અન્ય રાજ્યોમાંથી 33% વિદ્યાર્થીઓ છે.
- Advertisement -
હવે આયર્લેન્ડ, ફ્રાન્સ જેવા દેશો પણ ભારતીય સ્ટુડન્ટ્સની બન્યા છે પસંદ
ગ્લોબલ એજ્યુકેશન સેમિનારમાં શુક્રવારે રજૂ કરાયેલ ‘બિયોન્ડ બેડ્સ એન્ડ બાઉન્ડ્રીઝ: ઈન્ડિયન સ્ટુડન્ટ મોબિલિટી રિપોર્ટ-2023’માં કહેવામાં આવ્યું છે કે પરંપરાગત રીતે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પ્રાધાન્ય આપે છે. તાજેતરના વર્ષોમાં, જર્મની, કિર્ગિસ્તાન, આયર્લેન્ડ, સિંગાપોર, રશિયા, ફિલિપાઇન્સ, ફ્રાન્સ અને ન્યુઝીલેન્ડ પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે મનપસંદ સ્થળો તરીકે આવ્યા છે.