સાહિત્ય + પત્રકારત્વ = સાહિત્યિક પત્રકારત્વ
લેખક, કવિ, વાર્તાકાર, નવલકથાકાર કે કટાર લેખક સૌ પ્રથમ સાહિત્યિક પત્રકાર તરીકે ઓળખાવો જોઈએ
- Advertisement -
ગુજરાતી પત્રકારત્વ
બે સદીની લેખનયાત્રા
– ભવ્ય રાવલ
સાહિત્યને લગતું પત્રકારત્વ એટલે સાહિત્યિક પત્રકારત્વ. સાહિત્યિક રીતે ખેડાતું પત્રકારત્વ એટલે સાહિત્યિક પત્રકારત્વ. સાહિત્યની સામગ્રીનો ઝડપથી પ્રસાર-પ્રચાર કરે એવું પત્રકારત્વ એટલે સાહિત્યિક પત્રકારત્વ. સાહિત્યિક પત્રકારત્વ સર્જકો, સાક્ષરો અને સામાન્યજન સાથે જોડાયેલું પત્રકારત્વ છે. ગુજરાતી પત્રકારત્વ જેટલું જ ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ જૂનું છે. ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં સાહિત્યિક પત્રકારત્વ પત્રો, ચોપાનીયાં, વિચારપત્રો, સામયિકોથી લઈ અખબારોની પૂર્તિઓમાં છપાતું આવ્યું છે. ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વનું ફલક અખબારો, એમની સાપ્તાહિક પૂર્તિઓ ઉપરાંત પાક્ષિક, માસિક, દ્વૈમાસિક, ત્રૈમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક અને અનિયતકાલિન જેવા સામયિકતા પર આધારિત પ્રકારોમાં ફેલાયેલું છે. એ જ રીતે સાહિત્યિક સંસ્થાઓના મુખપત્રો અને વિશેષાંકો સુધી પણ તે પ્રસરાયેલું જોવા મળે છે. ગુજરાતી પત્રકારત્વના આરંભની સાથે ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની પણ શરૂઆત થઈ ચૂકી હતી તો પણ ગુજરાતી પત્રકારત્વમાં જ્યારે સાહિત્યને લગતા ખાસ સામયિકો પ્રસિદ્ધ થવાના શરૂ થયા ત્યારે, ગુજરાતી પત્રકારત્વના આશરે સો વર્ષ બાદ ગુજરાતી ભાષાના સામયિકોમાં સાહિત્યિક પત્રકારત્વની સુવ્યવસ્થિત શરૂઆત થઈ હતી તેમ કહી શકાય.
ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ સૌ પ્રથમ પત્રો કે ચોપાનીયાંમાં છૂટું છવાયું આવતું ગયું, પછી સાપ્તાહિકો કે દૈનિકોમાં ક્યારેક ક્યારેક જોવા મળતું અને પછી ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વના ખાસ સામયિકો જ બહાર પડવાના શરૂ થયા જેમાં માત્રને માત્ર સાહિત્યલક્ષી સામગ્રીઓ આવતી. વિશિષ્ટ કે વિધવિધ વિષયો આધારિત સામયિકોએ ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની દિશા-દશાને નવો આયામ આપ્યો. એક સમય એવો આવ્યો જ્યારે સામયિકોથી પ્રેરાઈને અખબારોએ સાહિત્યલક્ષી સામગ્રીઓ આપતી પૂર્તિઓ બહાર પાડવાનું શરૂ કર્યું. અખબારોમાં સમાચારલક્ષી સામગ્રી આવે, અખબારોની પૂર્તિમાં સાહિત્યલક્ષી સામગ્રી આવે. પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વ બંને દરરોજ વર્તમાનપત્રોમાં પ્રકાશિત-પ્રસિદ્ધ થવા લાગ્યું. આમ એમ પણ કહી શકાય, ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વના વિસ્તારમાં જેટલો ફાળો સામયિકોનો છે તેટલો જ ફાળો અખબારોની વિવિધ વારે-દિવસે આવતી પૂર્તિઓનો પણ છે.
- Advertisement -
દૈનિકોમાં દરરોજ આવતી સાહિત્યલક્ષી પૂર્તિઓથી ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વને વિકસવાની શક્યતાઓ ઉત્તરોત્તર વધતી ગઈ. પત્રો, ચોંપાનીયાં પછી વર્તમાનપત્રોનું પ્રકાશન અને ત્યારબાદ સાહિત્યિક સામયિકો જેવા વિવિધ તબક્કાઓમાંથી પસાર થયા પછી અખબારોની પૂર્તિઓ દ્વારા ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વનો ઉદ્દભવ અને વિકાસ વધુ ઝડપી શક્ય બન્યો.
ગુજરાતી સમસામયિક પત્રકારત્વના ઉદ્દભવ અને વિકાસ થયા બાદ અનેકવિધ વિષયોને અનુલક્ષીને અનેક-વિષયલક્ષી પત્રકારત્વ વિકસ્યું. ગુજરાતી અખબારોએ સાહિત્યિક પત્રકારત્વની વિશેષ પૂર્તિઓમાં ધારાવાહિક નવલકથા, લઘુકથા, વાર્તા, નાટક, નિબંધ, ગીત, ગઝલ, કવિતા, કાવ્ય-આસ્વાદ, સર્જક-પરિચય, મુલાકાત, ગ્રંથસમીક્ષા, પુસ્તક પરિચય, પ્રવાસ વર્ણન, કટારલેખન વગેરે.. વગેરે.. સાહિત્યના સ્વરૂપો પ્રસિદ્ધ કરવાના શરૂ કર્યા. ગદ્ય અને પદ્યને આવરી લેતા સાહિત્યના સંપૂર્ણ સ્વરૂપો સામયિકોની સાથે દૈનિકોની સાપ્તાહિકો પૂર્તિઓમાં આવવા લાગ્યા.
ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વએ સાહિત્યનાં તમામ અંગોને વિકસાવવા-ખીલવવામાં પુરુષાર્થ કર્યો તો એ પુરુષાર્થમાં પડદા પાછળની ખરી મહેનત ગુજરાતી વર્તમાનપત્રોની રહી. અખબારોએ તેની પૂર્તિના પાનાંઓ પર નવાસવાથી લઈ સિદ્ધહસ્ત સર્જકોની પ્રતિભા પારખીને લેખન કરવાની તક આપી, સાથે જ દરરોજથી લઈ દર અઠવાડિયે લાખો વાંચકોનું સીધેસીધું મંચ પૂરું પાડ્યું. સામયિકોની શબ્દ અને સમયની મર્યાદા અખબારોની પૂર્તિઓમાં દૂર થઈ જતા સાહિત્યિક પત્રકારો અને સાહિત્યિક પત્રકારત્વને મોકળું મેદાન મળી ગયું. ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વના ઉદ્દભવ બાદ તેના વિકાસમાં અખબારની સરખામણીએ સામયિકોએ અહમ ભૂમિકા ભજવી હતી, આજે આ મામલામાં સામયિકો કરતા અખબારો આગળ નીકળી ગયા છે.
ગુજરાતી સાહિત્યના લગભગ તમામ પ્રમુખ લેખકો સાહિત્યિક પત્રકાર તરીકેની ભૂમિકામાં જોવા મળ્યા છે. ઘણા સાહિત્યકાર, લેખક, કવિ, વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક સૌ પ્રથમ એક પત્રકાર હતા. સાહિત્ય અને પત્રકારત્વના પરસ્પર સહયોગને પરિણામે નર્મદ, ગાંધીજી, મેઘાણી, મુનશી, ચુનીલાલ મડિયા, અમૃતલાલ શેઠ, કરસનદાસ માણેક, મહાદેવભાઈ દેસાઈ, જયંતી દલાલ, ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર, ભગવતીકુમાર શર્મા, મોહનલાલ મહેતા, હરીન્દ્ર દવે, રાધેશ્યામ શર્મા, ઈન્દુલાલ યાજ્ઞિક, લાભશંકર ઠાકર, સુરેશ જોશી, ભૂપતભાઈ વડોદરિયા, દેવેન્દ્ર પટેલ, કાંતિ ભટ્ટ વગેરે લેખકો – પત્રકારોની એક આખી પેઢી આપણને પ્રાપ્ત થઈ છે.
ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોના મૂળિયાં ગુજરાતી અખબારો-સામયિકોમાંથી નીકળે છે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. મારા મત મુજબ ગુજરાતી ભાષાનો લેખક, કવિ, વાર્તાકાર, નવલકથાકાર કે કટારલેખક સૌ પ્રથમ સાહિત્યિક પત્રકાર તરીકે ઓળખાવો જોઈએ. અંતે તો ક્યારેકને ક્યારેક કોઈ પત્રકાર લેખક જેવું લખી બેસતો હોય છે અને ક્યારેકને ક્યારેક કોઈ લેખક પત્રકાર જેવું લખી બેસતો હોય છે અને આ રીતે ક્યારેકને ક્યારેક સાહિત્યિક પત્રકારત્વ થઈ જતું હોય છે.
સાહિત્ય + પત્રકારત્વ = સાહિત્યિક પત્રકારત્વ. લેખક + પત્રકાર + સાહિત્યિક પત્રકાર. પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચે ગાઢ સંબંધ હોવા છતાં પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચે પાતળી ભેદ રેખા છે. પત્રકારત્વ ઉતાવળે લખાતું સાહિત્ય કહેવાયું છે તો સાહિત્ય નિરાંતે લખાતું લેખન કહેવાયું છે. પત્રકારત્વમાં મહત્તમ વાસ્તવિકતાનું જ નિરૂપણ થતું હોય છે જ્યારે સાહિત્યિક પત્રકારત્વમાં મહત્તમ કલ્પનાનું નિરૂપણ થતું હોય છે. પત્રકારત્વનો આધાર હકીકત છે અને સાહિત્યનો આધાર કલ્પના છે. પત્રકારત્વ એટલે એવું લખાણ જે સમાચાર આપે, સમજાવે અને એની સમીક્ષા કરે જ્યારે સાહિત્યિક પત્રકારત્વ એટલે એવું લખાણ જેમાં સર્વકાળ અને સર્વસ્થળના ભાવકોને આનંદ આપે એવા વિચારોની અભિવ્યક્તિ અને આકૃતિ હોય. પત્રકારત્વમાં જે જોયું, જે જાણ્યું તે જણાવ્યું જેવો ઘાટ હોય છે, સાહિત્યિક પત્રકારત્વમાં જે વિચાર્યું, જે સૂજ્યું તે અભિવ્યક્ત કર્યું જેવો ઘાટ હોય છે. પત્રકારત્વની વ્યાખ્યા – અર્થ નિશ્ચિત છે. સાહિત્યિક પત્રકારત્વની વ્યાખ્યા – અર્થ વિશાળ છે. પત્રકારત્વમાં સમાચાર વાસી થઈ જાય છે, સાહિત્યિક પત્રકારત્વમાં કોઈ વાર્તા કે કવિતા વાસી થતી નથી. પત્રકારત્વમાં સમય અને શબ્દની મર્યાદા છે જ્યારે સાહિત્યિક પત્રકારત્વમાં સમય અને શબ્દની મર્યાદાનો બાધ નથી. પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વને ભાષા – શબ્દો સાથે સીધો સંબંધ છે, બંનેની રજૂઆત ભાષા વડે જ થાય છે, બંનેમાં શબ્દોનું અનેરું મહત્વ છે. ભાષા એ જનની છે, આ જનનીના બે જોડિયા પુત્રો પત્રકારત્વ અને સાહિત્ય છે. પત્રકારત્વ અને સાહિત્યના મિલનથી જન્મે છે, સાહિત્યિક પત્રકારત્વ.
વધારો : ગુજરાતી પત્રકારત્વની બે સદીની સફર એ જગ્યા પર આવી પહોંચી છે જ્યાં પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વનું મિલન થઈ ચૂક્યું છે. પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વની ભેળસેળ અખબારો-સામયિકોમાં જોઈ શકાય છે. સમાચારના મથાળાઓમાં કવિતાઓ અને સાહિત્યિક લેખોમાં સમાચાર જોવા મળે છે! બોલચાલની ભાષા હવે પત્રકારત્વમાંથી કૂદીને સાહિત્યિક પત્રકારત્વમાં પ્રવેશી ચૂકી છે. આજે માત્ર સાહિત્યના સામયિકો કે પૂર્તિઓમાં જ નહીં, અખબારોમાં પણ સાહિત્યિક પત્રકારત્વ જોઈ શકાય છે અને આજે માત્ર અખબારોમાં જ નહીં, સામયિકો કે પૂર્તિઓમાં પણ પત્રકારત્વ જોઈ શકાય છે. આ દરમિયાન એક વિશેષ નોંધનીય બાબત એ છે કે, સામયિકોમાંથી સાહિત્યિક પત્રકારત્વ ગાયબ થઈ રહ્યું છે અને અખબારોની પૂર્તિમાં પ્રગટી રહ્યું છે. સામયિકોમાંથી સાહિત્યિક પત્રકારત્વ ગાયબ થઈ રહ્યું છે તો તેની જગ્યાએ શું પ્રસિદ્ધ થઈ રહ્યું છે? જવાબ છે – જાહેરખબરો!