ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા 11 માર્ચે શરૂૂ થવાની છે. જેને લઇને તૈયારી ચાલી રહી છે. રાજ્યભરમાં 15 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે અમદાવાદમાં પણ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે તૈયારીઓમાં ખાસ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે નજીકના હેલ્થ સેન્ટરનું લિસ્ટ સ્થળ સંચાલકોને આપવામાં આવ્યું છે. અન્ય તૈયારીઓ અંગે આવતીકાલે સત્તાવાર માહિતી આપવામાં આવશે.
શારીરિક તકલીફ થશે તો જલ્દી હોસ્પિટલ ખસેડાશે
- Advertisement -
વધતા જતા હાર્ટ-એટેકના અને અન્ય બનાવોને ધ્યાનમાં રાખીને આ વર્ષે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના અર્બન હેલ્થ સેન્ટર તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નામ, સરનામા, ડોક્ટરના નામ અને મોબાઇલ નંબર સાથેની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી તમામ સ્કૂલના આચાર્ય અને સ્થળ સંચાલકોને મોકલવામાં આવી છે. જેથી બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી ઢળી પડે અથવા તો વિદ્યાર્થીને અન્ય કોઈ શારીરિક તકલીફ થાય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈ શકાય.
ગ્રામ્યનો પણ એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે
બોર્ડની પરીક્ષામાં રાજ્યભરમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળીને 1.70 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો, નિરીક્ષક, વર્ગ સહિતની વિગતો આવતીકાલે અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરવામાં આવશે. અગાઉ બોર્ડ દ્વારા જે પ્રમાણે ગુજરાતનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે તે પ્રમાણે અમદાવાદ શહેર અને ગ્રામ્યનો પણ એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે.