વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારનું લક્ષ્ય જાહેર કર્યું
52 ઓવરબ્રિજ અને અંડરબ્રિજનાં કામ પ્રગતિમાં છે અને અન્ય 46 જેટલાં કામો મંજૂરી હેઠળ છે
- Advertisement -
137 ફાટક માટે ફિઝિબિલિટી રિપોર્ટના આધારે જરૂરિયાત અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે બારડોલીમાં 865 મીટર લાંબા રેલવે ઓવરબ્રિજથી 1.25 લાખથી વધુ લોકોને રાહત
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.11
વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં રેલવે બ્રિજ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું લક્ષ્ય વર્ષ 2029 સુધીમાં સમગ્ર ગુજરાતને રેલવે ફાટકમુક્ત બનાવવાનું છે. રેલવે ફાટક પર થતી અવરજવર સરળ બને અને ટ્રાફિકની સમસ્યા ઘટે તે માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. મંત્રીએ આ અંગે આંકડાકીય વિગતો રજૂ કરતાં જણાવ્યું હતું કે રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં હાલમાં કુલ 367 રેલવે ફાટક આવેલાં છે. તેમાંમાંથી અત્યાર સુધી 130 ફાટક પર ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ઉપરાંત 52 જેટલાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામ હાલમાં પ્રગતિ હેઠળ છે, જ્યારે અન્ય 46 જેટલાં કામોને મંજૂરી આપવામાં આવી છે અને તે ટૂંક સમયમાં શરૂ થવાના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાકી રહેલાં 137 રેલવે ફાટક માટે ફિઝિબિલિટી રિપોર્ટના આધારે જરૂરી આયોજન કરવામાં આવશે. જરૂરિયાત અને ટેકનિકલ શક્યતા મુજબ ત્યાં પણ ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજના કામ હાથ ધરવામાં આવશે. આ તમામ કામગીરી પૂર્ણ થતાં વર્ષ 2029-30 સુધીમાં સમગ્ર રાજ્યને રેલવે ફાટકમુક્ત બનાવવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.
બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ નજીકના એલ.સી. નં. 25 પરના રેલવે ઓવરબ્રિજ અંગે માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું કે આશરે 865 મીટરની કુલ લંબાઈ ધરાવતા આ ઓવરબ્રિજના નિર્માણથી આસપાસના વિવિધ ગામોના 1.25 લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં મોટો લાભ મળશે. આ બ્રિજ બનવાથી વાહનચાલકોને વારંવાર બંધ થતી ફાટકની સમસ્યાથી રાહત મળશે અને ટ્રાફિક પણ સરળ બનશે. આ ઉપરાંત અસ્તાન ગામ તેમજ નજીકના ક્ધયા વિદ્યાલયમાં અભ્યાસ કરતી લગભગ 1500 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂટ ઓવરબ્રિજ થકી સુરક્ષિત અને સરળ અવરજવર મળશે. આ સાથે સ્થાનિક ટ્રાફિકની સમસ્યા હલ થશે અને વાહનચાલકોના સમય તથા ઈંધણની પણ બચત થશે. મંત્રીએ જણાવ્યું હતું કે આવા વિકાસકાર્યો પ્રગતિશીલ ગુજરાતની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.



