ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા રાષ્ટ્રીય સર્વેક્ષણ ‘પરખ’ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શાળાકીય શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો અને નિરાશાજનક ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ, ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં ઘણું જ નબળું જોવા મળ્યું છે, અને રાજ્યનો સમાવેશ દેશના સૌથી ઓછું પ્રદર્શન કરનારા (લૉ-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં થયો છે. તેનાથી વિપરીત, આમ આદમી પાર્ટીના શાસન હેઠળના પંજાબે લગભગ તમામ કેટેગરીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
ગુજરાતમાં શાળાકીય શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકારે 2019માં ₹5 કરોડના ખર્ચે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું હતું અને ત્યાર પછીના વર્ષોમાં તેના સંચાલન માટે લાખો રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. તેમ છતાં, કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના આ અહેવાલમાં ગુજરાતનું શાળાકીય શિક્ષણનું સ્તર સાવ તળિયે હોવાનું સાબિત થયું છે.
‘પરખ’ના આ સર્વેક્ષણમાં દેશની 74 હજારથી વધુ શાળાના 21 લાખથી વધુ બાળકોની સમીક્ષા કરવામાં આવી હતી. આ સર્વેમાં ધોરણ-3, 6 અને 9માં ગણિત, વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનના વિષયોમાં વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરાઈ હતી.
અહેવાલ મુજબ, ડાંગ, છોટા ઉદેપુર અને દાહોદ જેવા આદિવાસી જિલ્લાઓ, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જામનગર અને પોરબંદર તથા મધ્ય ગુજરાતનો ખેડા જિલ્લો દેશના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં ગણાયા છે. આશ્ચર્યજનક રીતે, દેશમાં શિક્ષણ ક્ષેત્રે સારો દેખાવ કરનારા ટોચના 50 જિલ્લાની યાદીમાં ગુજરાતનો એક પણ જિલ્લો સ્થાન મેળવી શક્યો નથી.
રિપોર્ટ સૂચવે છે કે રાજ્યના અંતરિયાળ અને અન્ય વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓ તાત્કાલિક સુધારવાની જરૂર છે. જોકે, શાળામાં વર્ગખંડો, પીવાનું પાણી અને શૌચાલય સહિતની સુવિધા બાબતે ગુજરાતનો દેખાવ ઠીકઠીક રહ્યો હોવાનું અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.
- Advertisement -
દેશના સૌથી નબળા જિલ્લાઓની યાદીમાં ગુજરાતના 7
રિપોર્ટમાં માત્ર રાજ્યનું જ નહીં, પણ જિલ્લાવાર પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લા દેશના સૌથી ઓછું પ્રદર્શન કરનારા 50 જિલ્લાની યાદીમાં સમાવિષ્ટ થયા છે.
જિલ્લાનું નામ નબળા પર્ફોર્મન્સમાં ક્રમ સમાવિષ્ટ વિસ્તાર
જામનગર 21મો ક્રમ સૌરાષ્ટ્ર
ગીર સોમનાથ 28મો ક્રમ સૌરાષ્ટ્ર
ખેડા 44મો ક્રમ મધ્ય ગુજરાત
છોટાઉદેપુર 47મો ક્રમ આદિવાસી જિલ્લો
પોરબંદર 48મો ક્રમ સૌરાષ્ટ્ર
ડાંગ 50મો ક્રમ આદિવાસી જિલ્લો
દાહોદ 50મો ક્રમ આદિવાસી જિલ્લો
5 કરોડના ખર્ચે બનેલા ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ના પ્રયાસો છતાં દેશના લૉ-પરફોર્મિંગ 10 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ
- Advertisement -