દેશભરમાં અમલી બનેલા નવા ફોજદારી કાનૂનોની ગુજરાતમાં અમલ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ – ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તથા કાનૂન – ન્યાય મંત્રાલયની પીઠ થાબડતા કેન્દ્રીય ગૃહમંત્રી : અનેકવિધ સૂચનો પણ કર્યા
- Advertisement -
ઝીરો FIRને 100% FIRમાં રૂપાંતર, 92% કેસમાં સમયસર ચાર્જશીટ સહિતના મોરચે સફળતા
પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક સ્પીડ વધારવા, વિડીયો કોન્ફરન્સ પર ભાર મુકવા સહિતના અગત્યના સૂચનો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની ઉચ્ચસ્તરિય સમીક્ષા બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધીત વિવિધ નવી જોગવાઈઓના ગુજરાતમાં અમલીકરણ તેમજ વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. અમિતભાઈ શાહે ગુજરાત સરકાર દ્વારા આ ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે થયેલી કાર્યવાહીની સમીક્ષા કરતાં જણાવ્યું કે, આગામી 30 એપ્રિલ, 2025 સુધીમાં બધા જ કમિશનરેટમાં આ નવા કાયદાઓનું 100 ટકા અમલીકરણ સુનિશ્ચિત થવું જોઈએ. તેમણે કહ્યું કે, આ સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા દર મહિને, ગૃહ રાજ્ય મંત્રી દ્વારા દર પંદર દિવસે તથા મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા થાય તે જરૂરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં 10 વર્ષથી વધુ સમયની સજાવાળા કેસોમાં 92 ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું જે કાર્ય થયું છે તેની પ્રસંશા કરી હતી. તેમણે ઉમેર્યુ કે, બાકી રહેલા કેસોમાં કોર્ટની અનુમતી લઈને જોગવાઈઓનો ઉપયોગ કરવા માટેની સમીક્ષા પણ થવી જોઈએ. અમિતભાઈ શાહે ગુજરાતમાં ઝીરો એફ.આઈ.આર.ને 100 ટકા એફ.આઈ.આર.માં બદલવાના કાર્યની સરાહના કરતાં કહ્યુ કે, એવી વ્યવસ્થા ઉભી થવી જોઈએ જેમાં ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે એફ.આઈ.આર. ટ્રાન્સફર થઈ શકે. તેમણે ગુજરાત CCTNS 2.0 અપનાવે તેવી પણ હિમાયત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ નવા ફોજદારી કાયદાઓમા ઈલેક્ટ્રોનિક્સ એવિડન્સની જોગવાઈઓના ઉચિત અમલીકરણ માટે ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલન બેઠકો યોજીને પોસ્ટમોર્ટમ રિપોર્ટસ સહિત અન્ય મેડિકલ રિપોર્ટસ ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપે મળે તેના પર વિશેષ ભાર મુક્યો હતો.
અમિતભાઈ શાહે જેલ, સરકારી હોસ્પિટલો, બેન્ક, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વગેરેમાં પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એવિડન્સ દાખલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ એમ જણાવતા ઉમેર્યુ કે, રાજ્યની જેલોમાં દરેક ન્યાયાલય માટે એક વિડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, પોલીસે પૂછપરછ માટે અટકાયતમાં લીધેલા લોકો, જાપ્તા યાદી અને કોર્ટમાં મોકલવામાં આવેલા કેસો સહિતની માહિતી ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂરી પાડવી જોઈએ. તેમણે રાજ્યના પોલીસ મહાનિદેશકને આવા કેસોનું સતત મોનિટરીંગ કરવા સૂચન ઉપરાંત પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધારિત ધારાધોરણો કરતાં વધુ રાખવા પણ સૂચવ્યુ હતું.
- Advertisement -
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, સંગઠિત ગુનાખોરી, આતંકવાદ અને મોબ લિંચિંગની જોગવાઈઓનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરી શકાય તે માટે રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરવો જોઈએ.
તેમણે કહ્યું કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં ગેરહાજરીમાં ટ્રાયલ (Trial In Absentia)ની જોગવાઈ કરવામાં આવી છે, તે અંતર્ગત ભાગેડુ ગુનેગારો સામે કાર્યવાહી કરી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કેસોમાં દેશમાંથી લાંબા સમયથી ફરાર હોય તેવા ભાગેડુ આરોપીઓ સામે આવી ટ્રાયલની શરૂઆત થવી જોઈએ. ગૃહમંત્રી શાહે દરેક જિલ્લામાં બે થી વધુ ફોરેન્સિક સાયન્સ મોબાઇલ વાન ઉપલબ્ધ કરાવવા પર આ બેઠકમાં ભાર મૂક્યો હતો. તેમણે આવી મોબાઇલ ફોરેન્સિક વાનમાં વપરાતી તમામ 12 કિટ્સ ભારતમાં જ બનેલી હોય તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યુ હતુ. ગુજરાત દ્વારા ફોરેન્સિક ક્રાઈમ મેનેજરની નિમણુંક માટે કરાયેલી પહેલની સરાહના કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યુ કે, આ પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ. આ ઉપરાંત, પેન્ડિંગ ફોરેન્સિક કેસોના નિકાલ માટે ઝુંબેશ ચલાવીને તેના ઉકેલ લાવવા અને ફોરેન્સિક વિભાગમાં ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે તમામ નીચલી અદાલતોને ઈ-પ્રોસેસથી કામગીરી કરવા માટે દિશાનિર્દેશો આપ્યાં છે, આ પહેલ ડિજિટલ અને પારદર્શિતા સુનિશ્ચિત કરતી સારી પહેલ છે તેમ જણાવી અન્ય રાજ્યોને પણ આ માટે પ્રયાસો કરવા સૂચન કર્યું હતું.