ફેબ્રુઆરીના મધ્યથી બજેટ સત્રનો પ્રારંભ: નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમનું બીજું બજેટ રજુ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુ. માસના બીજા પખવાડીયાથી શરુ થાય તેવા સંકેત છે. રાજયની ભુપેન્દ્ર પટેલ-ટુ સરકારનું આ પ્રથમ બજેટ તા.20 ફેબ્રુ. આસપાસ રજુ થશે. આજે મળેલી રાજયની કેબીનેટની બેઠકમાં બજેટ સત્ર અંગે ચર્ચા થઈ હતી અને હવે વિધાનસભાની કામકાજ સમીતીની બેઠકમાં આ નિર્ણય લેવાશે. રાજયમાં ફરી એક વખત પ્રચંડ બહુમતી સાથે સતા પર આવેલી ભાજપ સરકારના આગામી બજેટમાં કોઈ મોટા ફેરફારની શકયતા નહીવત છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈનું આ સતત બીજુ બજેટ હશે. જેમાં જનકલ્યાણની વધુ યોજનાઓ રજુ કરાશે. દરમ્યાન છેલ્લા પાંચ વર્ષથી જીએસટી લાગુ હોવાથી આડકતરા વેરામાં રાજય સરકારની ફેરફારની સતા નહીવત થઈ ગઈ છે અને પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણમાં ટેકસ માળખુ ફેરફાર કરાઈ તેવી શકયતા નહીવત છે. ઉપરાંત બજેટમાં કોઈ મોટી યોજનાઓ આવશે નહી પણ વિકાસની ગતીને જાળવી રાખવા માટે બજેટમાં જોર અપાશે.