રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 માર્ગદર્શિકાને અનુસરીને, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ધોરણ 9 થી 12 માટે પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યલક્ષી પ્રકરણો દાખલ કર્યા છે.
ગુજરાત બોર્ડ દ્વારા ધો.9 થી 12માં કેટલાક વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ બદલવામા આવ્યા છે અને નવા પરિરૂપ જાહેર કરાયા છે. કારણ કે, સરકારના ઠરાવ મુજબ, ધો.9 થી 12માં પ્રથમ ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાના બે-બે પાઠ ઉમેરવામા આવ્યા છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ સહિતના ચાર પ્રથમ ભાષા વિષયોમાં આ પાઠ ઉમેરવામા આવતા આ ચારેય વિષયના પરિરૂપ બદલાયા છે. જેથી હવે આ ચારેય ભાષાના વિષયોમાં આ વર્ષથી પ્રથમ અને દ્વિતિય સત્રની પરીક્ષામાં અને બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ગીતા પાઠમાંથી પ્રશ્નો પૂછવામા આવશે.
- Advertisement -
શાળામાં ભગવદ ગીતા ભણાવાનું કરાયું શરૂ
ગુજરાત સરકાર દ્વારા સ્કૂલોમાં ભગવદ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવા બાબતે ઠરાવ કરવામા આવ્યો હતો, જેને પગલે પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના શ્લોકો સાથેના પાઠ ભણાવવાનું શરૂ કરાયુ છે. ગત વર્ષે ધો.9 થી 12માં ગુજરાતી પ્રથમ ભાષાના પુસ્તકમાં બે ચેપ્ટરના વધારા સાથે નવું પુસ્તક તૈયાર થઈ ગયું હતું. આ પુસ્તકને ગુજરાતીમાં પાછલા વર્ષથી જ ભણાવવાનું શરૂ કરી દેવાયું હતું. જોકે, બાકીની ભાષામાં પુસ્તક તૈયાર ન હોવાથી ગુજરાતીમાં પરીક્ષામાં ગીતાના પાઠના પ્રશ્નો પૂછવામાં ન હતા આવતા.
પરંતુ, હવે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો.9 થી 12માં ગુજરાતી ઉપરાંત ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી એમ બાકીના ત્રણેય પ્રથમ ભાષા પુસ્તકોમાં ગીતાના શ્લોકો સાથેના પાઠનું અનુવાદ તૈયાર કરી દેવાયું છે. આ સિવાય નવા પુસ્તકો તૈયાર કરી દેવાતા બોર્ડ દ્વારા આ વર્ષથી ચારેય ભાષામાં નવા પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ શરૂ કરી દેવામા આવ્યો છે.
- Advertisement -
DEOનો આદેશ
ગુજરાત બોર્ડ દ્વારા તમામ DEO (ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર)ને આ બાબતે પરિપત્ર કરીને સ્કૂલોને ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26થી નવા પુસ્તક-નવા પરિરૂપનો સ્કૂલોમાં અમલ કરાવવા આદેશ કરાયો છે. બોર્ડના જણાવ્યા મુજબ, પ્રશ્નપત્ર પરિરૂપમાં નિષ્ણાંતો દ્વારા સુધારા કરવામા આવ્યા છે અને 17 જુલાઈની બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં કરાયેલા નિર્ણય અન્વયે આ વર્ષથી 9 થી 12માં પ્રથમ ભાષા વિષયોના અભ્યાસક્રમના માસવા આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ કરવામા આવ્યો છે.
પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રથમ ભાષાના પાઠ્ય પુસ્તકમાં શ્રીમદ ભગવદ ગીતાનો સમાવેશ કરવામા આવ્યો છે ત્યારે હિન્દી, ગુજરાતી, ઉર્દુ અને અંગ્રેજી સહિતની ચાર ભાષાના પુસ્તકોમાં બે-બે ચેપ્ટર ઉમેરાયા છે. જેના માટે પુરક પુસ્તક તૈયાર કરવામા આવ્યું છે. જેની સોફ્ટ કોપી તૈયાર કરીને સ્કૂલોને મોકલવામા આવી છે. હવે પ્રથમ-દ્વિતિય સત્ર અને બોર્ડ પરીક્ષામાં ગીતાના પાઠમાંથી ત્રણથી ચાર માર્કસના પ્રશ્નો પણ વિદ્યાર્થીઓને પૂછાશે. આ ચારેય પ્રથમ ભાષાના નવા પ્રશ્નપત્ર પરિરૂપ સાથે મહિનાવાર ભણાવવાના થતા પ્રકરણોનો પણ અમલ કરવામા આવશે. મહત્ત્વનું છે કે, હવે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમ ઉપરાંત ઉર્દુ માધ્યમના વિદ્યાર્થીઓ પણ ગીતાના શ્લોકો-ગીતાના પાઠનું વાંચન કરશે અને ભણશે.
કોમ્પ્યુટર વિષયનો નવો કોર્સ અને અર્થશાસ્ત્રમાં પ્રાકૃતિક ખેતી ભણાવાશે
ધો. 9 થી 12માં ભણાવાતા કોમ્પ્યુટર વિષયના અભ્યાસ ક્રમમાં વર્ષોથી જૂના પ્રકરણો ભણાવાતા હતા. જેથી કોમ્પ્યુટરનો કોર્સ હાલના સમય-ટેક્નોલોજી મુજબ બદલવા માટે અનેકવાર માંગણીઓ પણ કરાઈ હતી. જેને પગલે બોર્ડ દ્વારા કોમ્પ્યુટર વિષયનો નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે અને જે માટેનું નવું પુસ્તક પણ પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયું છે. આ વર્ષથી હવે નવો કોર્સ ભણાવાશે અને જેનું નવું પરિરૂપ પણ તૈયાર કરાયું છે. આ ઉપરાંત ધો.12 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રાકૃતિક ખેતીનું ચેપ્ટર ઉમેરાય છે. વિદ્યાર્થીઓ હવે પ્રાકૃતિક ખેતી વિશે જાણશે અને પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પણ પૂછાશે. આ નવા ચેપ્ટર સાથે અર્થશાસ્ત્ર વિષયનું પણ નવું પ્રશ્નપત્ર પરિરૂપ બોર્ડ દ્વારા તૈયાર કરાયું છે. જેમાં પણ મહિના પ્રમાણે આયોજન તૈયાર કરાયું છે.