જસદણમાં કુંવરજીભાઈ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટક્કર
બીજા રાઉન્ડમાં સરસાઈ આગળ વધી : રાજકોટ જિલ્લામાંથી કોંગ્રેસને એક પણ બેઠક મળે તેવી શક્યતા નહીંવત
- Advertisement -
આજે જાહેર થયેલા પરિણામોમાં રાજકોટ જિલ્લાની તમામ 8 બેઠકો પર પ્રથમથી જ ભાજપે સરસાઇ મેળવી લીધી હતી અને તે સતત વધી રહી છે તેના કારણે ફરી એક વખત રાજકોટમાં તમામ 8 બેઠકો પર કમળ ખીલી ઉઠે તેવા સંકેત છે. રાજકોટ 68ની પ્રતિષ્ઠાભરી બેઠકમાં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉદય કાનગડને 6647 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ 1897 મત મળ્યા હતા.
અહીં આમ આદમી પાર્ટીના રાહુલ ભુવા જે મેદાનમાં હતા તેઓ કોઇ મોટો અપસેટ સર્જવામાં નિષ્ફળ રહે તેવા સંકેત છે અને તેમને ફક્ત 992 મત મળ્યા હતા. જ્યારે રાજકોટ 69 બેઠક પર હાલના ડેપ્યુટી મેયર અને મહિલા ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહ પણ પ્રથમ રાઉન્ડથી જ લીડ સાથે આગળ વધી રહ્યા છે. તેમને પ્રથમ રાઉન્ડના અંતે 2999 મતની લીડ મળી.
જેમાં ડો.દર્શિતાબેન 5090 મત, કોંગ્રેસના મનસુખ કાલરિયાને 1543 અને આપના દિનેશભાઈ જોષીને 2091 મત મળ્યા હતાં. રાજકોટ 70માં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના રમેશભાઈ ટીલાળા 3960 મત અને કોંગ્રેસના હિતેષભાઈ વોરાને 1480 મત મળ્યા હતા અને આપના શિવલાલ બારસીયાને 833 મત મળ્યા હતા. આમ પ્રથમ રાઉન્ડના અંતે જ રમેશભાઈ 2480 મતે આગળ થઇ ગયા હતા.
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય બેઠકમાં ભાનુબેન બાબરીયાને પ્રથમ રાઉન્ડમાં 4073 મતની લીડ મળી જેમાં તેમને પ્રથમ રાઉન્ડમાં 6070 મત, કોંગ્રેસના સુરેશ બથવારને 1256 મત અને આમ આદમી પાર્ટીના વશરામભાઈ સાગઠીયાને 1997 મત મળ્યા હતા. જેતપુર બેઠક પર પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર જયેશભાઈ રાદડીયા 3479 મતની લીડ સાથે આગળ રહ્યા હતા.
જ્યારે કોંગ્રેસના દિપકભાઈ વેકરીયાને 358 અને આપના રોહીત ભુવાને 1180 મત મળ્યા હતા. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ પ્રતિષ્ઠાભરી બની રહેલી ગોંડલની ચૂંટણીમાં સૌનુ ધ્યાન છે અને તેમાં ભાજપના ગીતાબા જાડેજા પ્રથમ રાઉન્ડથી જ સરસાઈ ભોગવી રહ્યા છે. અહીં પ્રથમ રાઉન્ડના અંતે ગીતાબાને 4061 મત, કોંગ્રેસના યતીષ દેસાઈ 2349 અને આપના નિમિષાબેન ખૂંટને 625 મતો મળ્યા હતા.
ધોરાજી બેઠકમાં પ્રારંભમાં રસપ્રદ જંગ જામ્યો હતો પરંતુ તૂર્ત જ ભાજપના મહેન્દ્રભાઈ પાડલીયાએ 1976 મતની સરસાઈ મેળવી હતી જેમાં તેમને 3828 મત, કોંગ્રેસના લલીત વસોયાને 1086 મતઅને આપના વિપુલભાઈ સખીયાને 1825 મત મળ્યા હતા અને આ સરસાઈ હવે બીજા રાઉન્ડના અંતે પણ તમામ બેઠકો પર જળવાઈ રહી છે.