ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ 160 બેઠકમાંથી 14 બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપે 160 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
- Advertisement -
રિવાબાને જામનગરથી અપાઈ ટિકિટ, ગીતાબાને રિપીટ કરાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી 14 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા)ની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. જ્યારે ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગોંડલ બેઠક પર છેલ્લા ઘણા સમયથી ટિકિટને લઈને માથાકુટ ચાલી રહી હતી. ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુધ્ધસિંહ પોત-પોતાના દીકરાઓને ટિકિટ અપાવવા માટે મથામણ કરી રહ્યા હતા. જોકે, પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
ભાજપે 160 બેઠકમાંથી 14 મહિલા ઉમેદવારને આપી ટિકિટ
1) ગાંધીધામ- માલતીબેન મહેશ્વરી
2) વઢવાણ- જિગ્નાબેન પંડ્યા
3) રાજકોટ પશ્ચિમ- ડૉ. દર્શિતાબેન શાહ
4) રાજકોટ ગ્રામીણ- ભાનુબેન બાબરિયા
5) ગોંડલ- ગીતાબા જાડેજા
6) જામનગર ઉત્તર- રિવાબા જાડેજા
7) નાંદોદ- ડૉ. દર્શનાબેન દેશમુખ
8) લિંબાયત- સંગીતાબેન પાટિલ
9) બાયડ- ભીખીબેન પરમાર
10) નરોડા- ડૉ. પાયલબેન કુકરાણી
11) ઠક્કરબાપા નગર- કંચનબેન રાદડિયા
12) અસારવા- દર્શનાબેન વાઘેલા
13) મોરવા હડફ- નિમિશાબેન સુથાર
14) વડોદરા શહેર- મનીષાબેન વકીલ
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત અનેક દિગ્ગજો હાજર હતા. કેટલાક નેતાઓને પાર્ટી દ્વારા મોડી રાત્રે જ ફોન કરી દેવામાં આવ્યા હતા.