રાજકોટ GST ડિવિઝનને દિવાળી ફળી : જીએસટીના સતત ચેકિંગથી કરચોરી ઘટી
રાજ્ય સરકારની આવક કરતા ટકાવારીમાં રાજકોટ ડિવિઝનની આવક વધુ વધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરોમાં ઘટાડો કરતાં લોકોની ખરીદ શક્તિ વધવાની સાથોસાથ અમુક સેકટરમાં દિવાળીના તહેવારોમાં ધૂમ ખરીદી નીકળી પડી હતી જેના પરિણામે આ વર્ષે દિવાળી સાચા અર્થમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે દી’વાળે તેવી બની રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગત ઓક્ટોબર માસમાં જીએસટીની આવકમાં બમ્પર વધારો થયો છે જેના પગલે રાજકોટ સીજીએસટીની આવકમાં ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર માસમાં ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 20 ટકાનો વધારો થયો છે અને રાજ્ય સરકારની તિજોરીમાં રૂ.46 કરોડની વધુ આવક થવા પામી છે. તેમજ ચાલુ વર્ષના લક્ષ્યાંક કરતા પણ રૂ.30 કરોડની વધુ આવક થઇ છે.
જીએસટી રાજકોટ ડિવિઝનના જોઇન્ટ કમિશનર એમ.એ.પટેલ પાસે મળેલી માહિતી અનુસાર ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં જીએસટીની આવક રૂ.233 કરોડ હતી. જેની સામે ચાલુ વર્ષમાં ઓક્ટોબર માસમાં રાજ્ય સરકારે અમારી કચેરીને રૂ.249 કરોડનો લક્ષ્યાંક આપ્યો હતો. જીએસટીના દરોમાં ઘટાડો થવાથી અમારી આવક ઘટવાની ભીતિ હતી, પરંતુ લોકોએ તહેવારો પર મનમૂકીને ખરીદી કરતા અમારી કચેરીને ઓક્ટોબર માસમાં જીએસટીની આવક રૂ.279 કરોડની થઇ છે આમ આવક ઘટવાના બદલે રૂ.46 કરોડ વધી છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષની આવક જોઇએ તો તેમાં 20 ટકાનો વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષમાં જીએસટીની આવક માટે રાજકોટ ડિવિઝનને રૂ.249 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જેમાં પણ 30 કરોડનો વધારો થયો છે. તહેવાર પર જ જીએસટીના દરો ઘટતા લોકોએ ધૂમ ખરીદી કરી હતી. દર વર્ષે દિવાળીના તહેવારો પર ઓટોમોબાઇલ અને ક્ધઝયુમર પ્રોડક્ટની ખરીદી વધુ થતી જ હોય છે, પરંતુ આ વર્ષે જીએસટીના દરો ઘટવાથી લોકોની ખરીદ શક્તિમાં વધારો થયો હતો અને લોકોએ મનમૂકીને ટૂ વ્હિલર, ફોર વ્હીલર, ફ્રીઝ, વોશિંગ મશીન, મોબાઇલ, લેપટોપ, ઇલેક્ટ્રોનિક ગેજેટ સહિતની ખરીદી કરતા સરકારની તિજોરી છલકાઇ છે. આ ઉપરાંત ક્ધઝયુમર પ્રોડક્ટમાં સર્વિસની વ્યાખ્યામાં આવતા હોટેલ, પ્રવાસ, સિનેમા, હેલ્થકેર, બ્યુટીપાર્લર પાછળ પણ મનમૂકીને ખર્ચાઓ કરતા જીએસટીની આવકમાં ધારણા કરતા વધુ વધારો થયો છે. ઓક્ટોબર 2025માં રાજ્યને જીએસટી હેઠળની આવકમાં નોંધપાત્ર 16.7 ટકાનો વધારો થયો છે. રાજકોટ ડિવિઝનની આવક 20 ટકા વધી છે જે રાજ્ય સરકાર કરતાં 3.3 ટકા વધુ ગણી શકાય. તહેવારો પૂર્વે જ જીએસટી ચોરી અટકાવવા હાઈવે ચેકિંગ સહિતના પગલાં લેવાતા કરચોરી અટકાવવામાં ધારણા કરતા વધુ સફળતા મળી છે.



