ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારના માધ્યમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે કૃષિ જણસોની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મગફળી, સોયાબીન, મગ અને અડદનો સમાવેશ થાય છે.
- Advertisement -
માણાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેના ખરીદ કેન્દ્રો પર શાસ્ત્રોક્ત વિધિ અને શ્રીફળ વધેરીને ટેકાના ભાવે મગફળી ખરીદીની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીનો પ્રતિ મણ ભાવ રૂ.1,452 જાહેર કર્યો છે. જોકે, એક ખેડૂત પાસેથી 125 મણની મર્યાદામાં જ મગફળીની ખરીદી કરવામાં આવશે. માણાવદર તાલુકામાં કુલ 16,000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
પ્રથમ દિવસે આવેલા ખેડૂતોની મગફળીનું ગ્રેડિંગ કરી શુભ મુહૂર્તમાં ખરીદી કરવામાં આવી હતી. આ પ્રારંભ પ્રસંગે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશ મારુ, વાઇસ ચેરમેન પી.એમ. ઝાલા, અને તાલુકા-શહેર ભાજપના અગ્રણીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો મુજબ ગુણવત્તાયુક્ત મગફળીની ખરીદી કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક માહોલમાં થાય અને ખેડૂતોને પૂરતો લાભ મળે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ, તેમણે કોઈપણ ખેડૂતને એક પણ રૂપિયો આપવાની જરૂર નથી તેવી ટકોર કરીને પારદર્શિતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.



