ઝાલાવાડવાસીઓને સ્ટોપેજ મળે તો રાજકોટ એક કલાકમાં પહોંચી શકાશે : ટ્રેનની ગતિ 160ની હશે
ચોટીલા, લીમડી, સાયલા કે વઢવાણને સ્ટોપેજ મળે તો સૌથી મોટો ફાયદો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
ગુજરાત સરકારે અમદાવાદ-રાજકોટ વચ્ચે સેમી હાઇસ્પીડ રેલ કોરીડોર પ્રોજેક્ટને લીલીઝંડી આપી છે. ત્યારે નેશનલ હાઇવેના સમાંતર રૂટ હોવાથી ઝાલાવાડના વિકાસના દ્વાર ખુલશે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, સાયલા, મૂળી, ચુડા અને વઢવાણ તાલુકાની સીમમાંથી કોરીડોર પસાર થનાર છે. આથી ઝાલાવાડવાસીઓને સ્ટોપેજ મળે તો રાજકોટ એક કલાક અને અમદાવાદ એક કલાકમાં પહોંચી શકાશે.
ગુજરાતમાં નેશનલ હાઈવેની બાજુમાં સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ પ્રોજેકટ પાછળ રૂ.11,300 કરોડનો ખર્ચ થનાર છે. હાલ લીંબડી નેશનલ હાઇવે સિક્સલેન બનાવવામાં આવી રહ્યો છે. આ નેશનલ હાઇવે લીંબડી, વઢવાણ, ચુડા, સાયલા, મૂળી અને ચોટીલા તાલુકાને જોડે છે. રાજ્ય સરકારે અમદાવાદ -રાજકોટ વચ્ચે નેશનલ હાઈવે 47ની બાજુમાં જ ટ્રેન કોરીડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ રૂટ પર ટ્રેનો 160 કિ.મીની ઝડપે દોડી શકશે. ત્યારે આ રેલ પ્રોજેક્ટ સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસના દ્વાર ખોલી શકે છે. આથી આ પ્રોજેક્ટનું કામ ઝડપી કરવાં ઝાલાવાડવાસીઓની લાગણી અને માંગણી છે. ચોટીલા, લીંબડી, સાયલા કે વઢવાણ સ્ટોપેજ મળે તો સૌથી મોટો ફાયદો મળે તેમ છે. જેમાં સુરેન્દ્રનગરવાસીઓ 1 કલાકમાં રાજકોટ, અમદાવાદ પહોંચી શકે તેમ છે. આગામી દાયકામાં ઝાલાવાડ, સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતો વિકાસ માર્ગ સુરેન્દ્રનગર જિલ્લો બંને બનશે.
- Advertisement -
ચોટીલા પંથકમાં એરપોર્ટ અને ચામુંડા માતાજીનું પ્રખ્યાત યાત્રાધામ છે. આથી રેલ પ્રોજેક્ટમાં ચોટીલા કેન્દ્ર સ્થાને હશે. આ ઉપરાંત સાયલા અને લીંબડી વચ્ચે સ્ટોપેજ મળે તો વધુ ફાયદો થાય તેમ છે. જેમાં ક્વોરી ઉદ્યોગ તથા મૂળી, સાયલાના ધાર્મિક સ્થળો સહિતને લાભ મળે તેમ છે. લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર સરકારી જમીન પુષ્કળ છે. આથી જમીન સંપાદન પણ સરળતાથી થઈ શકે તેમ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર પણ 10થી 15 કિ.મી દૂર હોવાથી જિલ્લા મથકે રોજગારીનું સર્જન થાય તેમ છે. આથી જિલ્લા મથક સુરેન્દ્રનગર, ચુડા, મૂળી તાલુકાના ગામોને પણ ફાયદો થાય તેમ છે.



