તાજેતરમાં બનેલા ડામર-સીસી રોડમાં કપચી નીકળી ગઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
- Advertisement -
શહેરમાં એસપી, કલેકટર કચેરી પાસેના રોડના પેચવર્કમાં પણ ધાંધીયા કરવામાં આવ્યા હોય થોડા સમય પહેલા બનેલા ડામર- સીસી રોડમાં કપચી નીકળી ગઇ છે. ત્યારે એસપી અને કલેકટર કચેરી સામેના રોડના કામમાં પણ લોલમલોલ ચાલતું હોય તો શહેરમાં અન્ય સ્થળે ચાલતા કામમાં તો કેવું ધુપ્પલ ચાલતું હશે તે સમજી શકાય તેમ છે.કલેકટર કચેરી પાસેનો રોડ સીસી રોડ હતો. બાદમાં પાણીની લાઇન માટે તેને ખોદવામાં આવ્યો હતો.
કામગીરી પૂર્ણ થયા બાદ ડામરથી પેચવર્ક કરાયું હતું. બાદમાં ભૂગર્ભ ગટર માટે ફરી ખોદકામ કરાયું અને તે કામગીરી પૂર્ણ થતા સિમેન્ટ ક્રોકિંટથી પેચવર્ક કરાયું હતું. જોકે, હાલમાં આ પેચવર્કના થીગડા નીકળી ગયા છે અને રોડ પર માત્ર કપચી જોવા મળી રહી છે.આ કપચીના કારણે ખાસ કરીને ટુ વ્હિલ ચાલકોને વાહન સ્લીપ થવાનો ભય હોય કોઇ અકસ્માત સર્જાય તે પહેલા આ રોડ યોગ્ય રીતે રિપેર કરવામાં આવે તે જરૂરી છે.