9 ટીમોએ લીધો ભાગ, ધ કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ અને અમરેલી ડિસ્ટ્રિક્ટ કો-ઓપેરેટિવ બેંક વિજેતા બની; સહકારી અગ્રણીઓ ઉપસ્થિત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સહકારી બેંકિંગ ક્ષેત્રે પ્રતિવર્ષ યોજાતા અને લોકપ્રિય એવા *સહકાર રમતોત્સવ : 2025-26*નો ભવ્ય શુભારંભ રાજકોટ ખાતે થયો છે. ગુજરાત અર્બન કો-ઓપેરેટિવ બેન્કસ ફેડરેશન અને ધી ગુજરાત સ્ટેટ કો-ઓપેરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રમતોત્સવમાં ક્રિકેટ, કબડ્ડી, કેરમ, ચેસ અને બેડમિન્ટન જેવી વિવિધ રમતોનો સમાવેશ કરાયો છે. રમતોત્સવની શરૂઆત રોમાંચક એડીસી બેંક ક્રિકેટ ટુર્નામેન્ટથી થઈ હતી, જેમાં રાજકોટ ખાતે 9 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ક્રિકેટ મેચોમાં વિજય કોમર્શિયલ, રાજકોટ પીપલ્સ, રાજકોટ નાગરિક, કચ્છ ડિસ્ટ્રિક્ટ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ, જામનગર ડિસ્ટ્રિક્ટ, ગાંધીધામ મર્કન્ટાઈલ, ગોંડલ નાગરિક અને અમરેલી ડિસ્ટ્રિક્ટ કો-ઓપેરેટિવ બેંક સહિતની ટીમોએ ભાગ લીધો હતો.
મેચોના અંતે, ધ કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપેરેટિવ બેંક લિ. અને અમરેલી ડિસ્ટ્રિક્ટ કો-ઓપેરેટિવ બેંક વિજેતા બનીને આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.
આ શુભારંભ પ્રસંગે ગુજરાત અર્બન કો-ઓપેરેટિવ બેન્કસ ફેડરેશનના ચેરમેન અને સહકારી અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતા, રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.



