21થી 25 માર્ચ દરમિયાન ઈશ્ર્વરીયામાં યોજાશે ઐતિહાસિક ‘ત્રિવેણી સમારોહ’
સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન: 32 વીઘામાં નિર્માણ પામનાર ‘ઉમન વિદ્યાપીઠ’ના ભૂમિપૂજનનું ભાવભર્યું નિમંત્રણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટમાં રજત જયંતિ સ્મૃતિદિન મહોત્સવના સવા દાયકા બાદ ફરી એકવાર ભક્તિ અને શિક્ષણનો સમન્વય સર્જાવા જઈ રહ્યો છે. આગામી તા. 21 થી 25 માર્ચ દરમિયાન કાલાવડ રોડ પર મેટોડા નજીક ઈશ્વરીયા ગામે ‘ત્રિવેણી સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 32 વીઘા જમીન પર નિર્માણ પામનાર ‘ઉમન વિદ્યાપીઠ’ શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન, 25 કુંડી મહાયજ્ઞ અને સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિના સમૂહ ભોજનનો ત્રિવેણી સંગમ યોજાશે. આ મંગલ અવસરે આમંત્રણ પાઠવવા માટે મા ઉમિયાની ભવ્ય રથયાત્રા હાલ રાજકોટના વિવિધ વોર્ડમાં પરિભ્રમણ કરી રહી છે.
જગત જનની મા ઉમિયાની રથયાત્રાનું પ્રસ્થાન પેડક રોડ સ્થિત બાલક હનુમાન મંદિર ખાતેથી સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ મા ઉમિયાની આરતી અને પૂજન કરીને ધન્યતા અનુભવી હતી. રથયાત્રાના પ્રારંભ સાથે જ સમગ્ર રાજકોટમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.
તા. 8 થી 11 માર્ચ દરમિયાન આ રથયાત્રા રાજકોટના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. તાજેતરમાં વોર્ડ નં. 19 અને વોર્ડ નં. 7 ના વિવિધ વિસ્તારો જેવા કે સત્યસાંઈ રોડ, ઈન્દિરા સર્કલ, આલાપ એવન્યુ અને પુષ્કરધામ ચોક ખાતે રથયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજની નાની બાળાઓએ માથે કળશ લઈ સામૈયા કર્યા હતા, જ્યારે બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ઠેર-ઠેર માતાજીના રથનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કોર્પોરેટરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
મહોત્સવની સફળતા માટે ઉમિયા સંગઠન સમિતિ દ્વારા દ્વારકા જગત મંદિરે ધ્વજા પૂજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ઈશ્વરીયા ખાતે યોજાયેલા આ ઉત્સવમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીના હસ્તે યુવા સંગઠનના સભ્યોનું પદગ્રહણ કરવામાં આવ્યું હતું. સંગઠન સમિતિના સંયોજક કૌશિકભાઈ રાબડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજની સંગઠન શક્તિને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઈશ્વરીયાના ત્રિવેણી સમારોહમાં ‘ઉમિયાની આરાધના અને સરસ્વતીની સાધના’ના મંત્રને સાર્થક કરવા સમાજને આહવાન કરવામાં આવ્યું છે.
આ રથયાત્રાને સફળ બનાવવા માટે દિનેશભાઈ ચાપાણી, ડો. મિતાબેન પટેલ, સંદિપ કાલરીયા અને મહિલા સંગઠન સમિતિની ટીમ જહેમત ઉઠાવી રહી છે. રાજકોટના ખૂણે-ખૂણે મા ઉમિયાના જયઘોષ સાથે પાટીદાર સમાજ આ ઐતિહાસિક મહોત્સવમાં જોડાવા માટે થનગની રહ્યો છે.



