શ્રદ્ધાળુઓએ ઢોલ-નગારા સાથે પાલખીયાત્રા કાઢી, ગરમ કુંડમાં સ્નાન કરાવી ભક્તિભાવ વ્યક્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ તુલસીશ્યામ
સૌરાષ્ટ્રના મધ્ય ગીર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિરમાં આજે જળજીલણી અગિયારસ નિમિત્તે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરને માણવા માટે સવારથી જ શ્યામસુંદર ભગવાનના દર્શન અને પાલખીયાત્રામાં ભાગ લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારે 10 વાગ્યે ભગવાન શ્યામના મુખ્ય મંદિરથી ભવ્ય પાલખીયાત્રા ઢોલ-નગારાના તાલ સાથે નીકળી હતી. મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાયા હતા. આ પાલખીયાત્રા ગરમ કુંડ સુધી પહોંચી હતી, જ્યાં પરંપરા મુજબ ભગવાન શ્યામને સ્નાન કરાવી નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન “શ્યામ ભગવાનની સડી”ના જયઘોષ સાથે ભક્તોએ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
હિન્દુ સનાતન ધર્મ અનુસાર, જળજીલણી અગિયારસનું અનેરું મહત્વ છે. માન્યતા મુજબ, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે યમુનાજીમાં નૌકા વિહાર કર્યો હતો. આ જ પરંપરાને જાળવી રાખવા માટે તુલસીશ્યામ ખાતે દર વર્ષે ધામધૂમથી આ ઉત્સવ મનાવાય છે.
નૌકા વિહાર બાદ પાલખીયાત્રા ધામધૂમથી અબીલ-ગુલાલ ઉડાડતા પરત મંદિરે પહોંચી હતી. ત્યારબાદ શ્યામ ભગવાનની મૂર્તિને ફરી સિંહાસન પર મૂકી, સુંદર વસ્ત્રો અને શણગાર સાથે આરતી કરવામાં આવી. મંદિરને પણ કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું, જેથી તે આસ્થાનું પ્રતિક લાગતું હતું. બપોરે મહાઆરતી બાદ રાજભોગ ધરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તુલસીશ્યામ ટ્રસ્ટના મહેશભાઈ કોટીલા, મેનેજર ચિરાગભાઈ ગોંડલીયા, વ્યવસ્થાપક ભીખુભાઈ કોટીલા, તેમજ બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજના સેવકો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.



