ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં રૂ. 1.03 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે બખરલા ગામે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે વિકાસ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 વર્ષના વિકાસપ્રયાસોની ગાથા શોર્ટ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી હતી.ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ગુજરાતે રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સેમિક્ધડક્ટર ઉદ્યોગ અને લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા વિકાસના નવા શિખરો સર કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, પોરબંદર જિલ્લામાં રૂ. 300 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ ખાતે અદ્યતન કેન્સર વોર્ડનું નિર્માણ ચાલી રહ્યું છે, સાથે જ માર્ગોની સુવિધા અને બરડા સફારી પાર્ક સહિતના પ્રવાસન પ્રોજેક્ટ્સને પણ વેગ અપાઈ રહ્યો છે.
કુલ લોકાર્પણ/ખાતમુહૂર્ત: પાંડાવદર, બોરીચા, કોલીખડા અને બખરલા ગામોના રૂ. 40 લાખથી વધુના 17 કામોનું લોકાર્પણ તથા રૂ. 63 લાખથી વધુના 23 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, આઈસીડીએસ યોજનાનો લાભ અને એનઆરએલએમ અંતર્ગત સખી મંડળને રૂ. 3 લાખની કેશ ક્રેડિટ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.અગ્રણી અરસીભાઈ ખૂટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે કરેલા સર્વાંગી વિકાસ માટે સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખૂટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.