14 વિદ્યાશાખાઓના 43959 છાત્ર-છાત્રાઓને પદવીઓ, 122 વિદ્યાર્થીઓને 141 ગોલ્ડ મેડલ એનાયત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટ ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 58 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 58મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે.
- Advertisement -
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પદવી મેળવતા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ જ્ઞાન પ્રજ્વલિત દીવાની જેમ સદા પ્રકાશિત રાખે તેવી શુભકામના પાઠવી હતી. યુનિવર્સિટીના કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે 14 વિદ્યાશાખાઓના 43959 છાત્ર-છાત્રાઓને પદવી તથા 1રર વિદ્યાર્થીઓને કુલ 141 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
યોજાયેલા પદવીદાન સમારંભમાં વિનયન વિદ્યાશાખા 12342, શિક્ષણ વિદ્યાશાખા 4357, વિજ્ઞાન વિદ્યાશાખા 6710, ઈજનેરી વિદ્યાશાખા 04, કાયદા વિદ્યાશાખા 1773, તબીબી વિદ્યાશાખા 2025, વાણિજય વિદ્યાશાખા 13584, ગ્રામવિદ્યા વિદ્યાશાખા 146, ગૃહવિજ્ઞાન વિદ્યાશાખા 209, હોમીયોપેથી વિદ્યાશાખા 571, બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખા 2043, આર્કીટેકચર વિદ્યાશાખા 82, પરફોર્મીંગ આર્ટસ વિદ્યાશાખા 19, ફાર્મસી વિદ્યાશાખા 94 મળી કુલ 43595નો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિલાંબરીબેન દવેએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે.