સાંસદ ખેલ મહોત્સવ સંપન્ન, પ્રધાનમંત્રી મોદીનું વર્ચ્યુઅલ સંબોધન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
- Advertisement -
જૂનાગઢના સરદાર પટેલ સંકુલ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને ’પોરબંદર લોકસભા સાંસદ ખેલ મહોત્સવ-2025’નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાઈને રમતવીરોને ’રાષ્ટ્ર નિર્માણ’ માટે પ્રેરણા પૂરી પાડી હતી. કેન્દ્રીય મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી સરકાર 25,000 ખેલાડીઓ તૈયાર કરી રહી છે. આ માટે સ્પોર્ટ્સ ટેકનોલોજી અને અત્યાધુનિક કોચિંગની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમણે ઉમેર્યું કે દેશમાં 290 સાંસદો દ્વારા આયોજિત ખેલ મહોત્સવમાં 1 કરોડથી વધુ ખેલાડીઓ જોડાઈને રમતગમતને ’પીપલ્સ મૂવમેન્ટ’ બનાવી છે. પોરબંદર લોકસભા હેઠળના વિસ્તારોમાંથી 38,000 જેટલા રમતવીરોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. ગ્રામીણ ખેલાડીઓના કૌશલ્યને પારખવા સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોમનવેલ્થ મેડલ વિજેતા પ્રિયંકાબેન ગોસ્વામી, ધારાસભ્યો, મેયર ધર્મેશ પોસીયા અને મોટી સંખ્યામાં પદાધિકારીઓ તથા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.



