ઘેડના ખેડૂતોને સાથે રાખી આંદોલનના મંડાણ કરતા સરકાર હરકતમાં આવી
100થી વધુ ટીમ દ્વારા પાક ધોવાણ નુકસાનીનો સર્વે શરુ કરી દેવામાં આવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરવાનો વર્ષો જૂનો પ્રશ્ર્ન છે.ત્યારે ગુજરાત કિશાન કોંગ્રેસ સેલ દ્વારા ખેડૂતોની સમસ્યા જાણીને એક વાર આવેદન પત્ર આપી તંત્રને રજૂઆત કરી હતી અને આજે પણ ખેડૂતોને સાથે રાખી આવેદન આપવામાં આવશે જેમાં ખેડૂતોને તાત્કાલિક સહાય સાથે જમીન ધોવાણ મુદ્દે રજૂઆત કરવામાં આવશે જેના પગલે તંત્ર અને સરકાર સફાળી જાગી છે.ત્યારે જૂનાગઢ જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે તંત્ર સાથે બેઠક કરીને માણાવદર અને વંથલી તાલુકાની મુલાકાત કરી લોકોના પ્રશ્ર્નો સાંભળ્યા હતા.
જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે માણાવદર તાલુકા પંચાયત ખાતે જિલ્લાના પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લાના ઘેડ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના પગલે સર્જાયેલા પ્રશ્ર્નો વિશેનો ચિતાર પણ મંત્રીશ્રીએ મેળવ્યો હતો.આ સંદર્ભે મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યુ કે, સંપર્ક વિહોણાં રહેતા ગામડાઓમાં વાહન વ્યવહાર વહેલી તકે શરુ થાય તે માટે પ્રાથમિકતા આપી ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના વર્ષો જૂના પ્રશ્ર્નના નિરાકરણ માટે રાજ્ય સરકાર કૃત્તનિશ્ચયી છે. આ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક સર્વે કરી એક યોજના બનાવવા માટે સૂચના આપી છે. જેથી આ પ્રશ્ર્નનો કાયમી ધોરણે હલ લાવી શકાય. ઘેડ વિસ્તારના આ પ્રશ્ર્ન સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.વંથલી- માણાવદરના પ્રાંત અધિકારી ગોહિલે કહ્યુ કે, અતિ ભારે વરસાદથી 20 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને 1364 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં આ સ્થળાંતરિત લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે સાફ સફાઈ ઝુંબેશ સ્વરુપે શરુ કરવામાં આવી છે. તેમજ 100થી વધુ ટીમ દ્વારા પાક ધોવાણ નુકસાનીનો સર્વે શરુ કરી દેવામાં આવ્યો છે.