75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં આન-બાન-શાન સાથે ઉજવણી
વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિંહ, સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ તકે વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. આ તકે વોલિ ફાયરિંગ તેમજ આકાશમાં બલૂન છોડીને હર્ષ ધ્વનિ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આજે આઝાદીની કાળના મહત્વપૂર્વ સ્થળ એવા જૂનાગઢ ખાતે વિવિધ 25 પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી હતી. આ દેશભક્તિસભર માહોલમાં ઉપસ્થિત સૌ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પહેલ અંતર્ગત મધ્યપ્રદેશની પોલીસ પ્લાટૂને પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કર્યો હતો.
આજની પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ, ગુજરાત વન વિભાગની મહિલા પ્લાટૂન અને એન.એસ.એસ.ની વિદ્યાર્થીઓની ટીમે જુસ્સાભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપરાંત 20 જેટલી મહિલાઓ બેન્ડમાં ભાગ લીધો હતો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની 15 જેટલી વિદ્યાર્થિનીઓ પણ જુસ્સા સાથે કાર્યક્રમમાં જોડાઈ હતી. હાલમાં જ યૂનેસ્કોમાં સ્થાન પામેલા ગુજરાતના લોકનૃત્ય ગરબાની રંગારંગ પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. મણીયારો, ટીપ્પણી સહિતના નૃત્યોની પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત નાગરિકો આનંદનથી ઝૂમી ઊઠ્યા હતા. આ કલ્ચરલ મેગા ઇવેન્ટમાં ચાર પ્રોફેશનલ ગ્રુપ રાજપુત રાસ મંડળ-બાટવા, ભવાની ટિપ્પણી લોકનૃત્ય – ચોરવાડ, બ્રહ્મપુરી દાંડિયા રાસ મંડળ-માળીયા હાટીના અને ક્ષત્રિય રાજપુત લીંમડા ચોક રાસ મંડળ -માળિયા હાટીના તેમજ જૂનાગઢ જિલ્લાની 9 શાળાના 9 જૂથે પણ ભાગ લીધો હતો. કુલ મળીને 156 વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ 4 જૂથના 56 કલાકારો મળીને કુલ 212 લોકોએ વિવિધ કૃતિઓને રજૂ કરી હતી.
રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપ્સીમાં સવાર થઈને સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.આ તકે ઉત્તમ પ્રદર્શન કરનારી પ્લાટૂન અને જવાનોને રાજ્યપાલશ્રીના વરદ હસ્તે અને મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા. જેમાં એકભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત મધ્યપ્રદેશ બી.એસ.એફ.ની પ્લાટૂનને ઈનામી ટ્રોફી એનાયત કરાઈ હતી.પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે મહિલાઓએ તેમના શૌર્ય શક્તિનું નિદર્શન બાઈક સવારીના સ્ટંટ દ્વારા રજૂ કર્યું હતું. આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રાષ્ટ્રભક્તિસભર કાર્યક્રમમાં જિલ્લા પોલીસ દ્વારા આયોજિત બાઈક સ્ટંટના કાર્યક્રમમાં બાઇક પર હનુમાનજીના વેશમાં મહિલા બાઇક સવાર અને તેમની પાછળ સવાર તરીકે ભગવાન શ્રી રામના વેશમાં મહિલા પોલીસ દ્વારા જે બાઈક સ્ટંટ રજૂ કરવામાં આવ્યા હતાં, તેને લોકોએ તાળીઓના નાદથી વધાવી લીધા હતા.