હાલ 22 ખાદ્યચીજોની કિંમત પર સરકારની દૈનિક દેખરેખ, હવે સંખ્યા 38 થશે
રીટેઈલ ફુગાવો ઘટતો હોવાના સરકારના દાવા છતાં ખાદ્યચીજો સહિતની વસ્તુઓના ઉંચાભાવમાં લોકોને કોઈ રાહત મળતી નથી. ખાસ કરીને ખાદ્યચીજોના ભાવો ઉંચા જ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે વધુ 16 ખાદ્યચીજોને ‘વોચ લીસ્ટ’માં મુકવાની તૈયારી શરૂ કરી છે. કેન્દ્ર સરકાર હાલ 22 ખાદ્યચીજોના ભાવોની વધઘટ પર દેખરેખ રાખવામાં આવે છે તે સંખ્યા વધીને 38 થઈ શકે છે.
- Advertisement -
કેન્દ્ર સરકારના સૂત્રોએ એમ કહ્યું કે સતત ત્રીજી ટર્મમાં સતારૂઢ થયેલી મોદી સરકાર દ્વારા 100 દિવસનો એજન્ડા નકકી કરવામાં આવ્યો છે અને તેમાં ખાદ્યચીજોની મોંઘવારીને કાબુમાં લેવાના પગલાને પ્રાથમીકતા આપવાની યોજનાનો સમાવેશ થાય છે. ખાદ્યચીજોના ઉંચા ભાવને કારણે ગરીબોની થાળી મોંઘી થઈ છે. ગરીબ અને નીચલા મધ્યમવર્ગના લોકોને બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બને છે ત્યારે ગરીબોનું જીવનધોરણ સરળ બનાવવાનો ઈરાદો છે.
ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી ઢંઢેરામાં પણ મોંઘવારીનો મુદો સમાવવામાં આવ્યો હતો. ગરીબોની થાળીનુ ધ્યાન રાખવા માટે ખાદ્યચીજોના ભાવો કાબુમાં લેવા અસરકારક કદમ ઉઠાવવા નું વચન આપવામાં આવ્યુ હતું. શાકભાજી, ફળ, અનાજ, કઠોળ, ખાદ્યતેલ જેવી ચીજોના ભાવ અંકુશમાં લેવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.
કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે 100 દિવસના એજન્ડા પર સરકારે કામગીરી શરૂ કરી જ દીધી છે. આવતા દિવસોમાં શ્રેણીબદ્ધ નિર્ણયો જાહેર થવાની સંભાવના છે. ખાદ્યચીજોના મોરચે ડુંગળી-બટેટા સહિતના શાકભાજી પણ મોંઘા થયા છે. સરકાર હાલ 22 ખાદ્યચીજોના ભાવો પર સતત વોચ રાખે છે. હવે તેમાં 16 ચીજ ઉમેરવામાં આવે છે. આ તમામ 16 ચીજમાં જુદા-જુદા શાક્ભાજી જ રહેવાનું મનાય છે.