મહિલા સહિત 5 સામે મેનેજરની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ, પોલીસે તપાસ આદરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
- Advertisement -
જૂનાગઢમાં સર્વે નંબર 18 નાયરા લગભગ પાસે આવેલ ટાઇટન એક્ઝિમ નામની ભાગીદારી પેઢીના પાર્ટનર રોનક દિલીપ શેખડા અને જૂનાગઢમાં જલારામ સોસાયટી પાછળ આવેલ રિધ્ધિ ટાવર એપાર્ટમેન્ટમાં રહેતા ભાગીદાર કાજલબેન પ્રફુલ શેખડાએ પ્લાસ્ટિક પેકેજીંગ સીટ બનાવવાના બે મશીન ખરીદવા માટે શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલ કેનેરા બેંકમાંથી રૂપિયા 1.75 કરોડની લોન લીધી હતી.
જેની સામે ભેસાણ તાલુકાના પાટલા ગામમાં આવેલ જમીન મોર્ગેજ કરી હતી. લોન મંજૂર થતાં રકમમાંથી જૂનાગઢના મહમદ રિયાઝ દોસ્તમહમદની નોબલ એજ ઇન્ડસ્ટ્રીઝના બેંક ખાતામાં રૂપિયા 1,37,83,000 તથા રીલાઈક એન્જિનિયરિંગ રાજકોટના બેંક ખાતામાં રૂપિયા 37,17,000 જમા કરાવ્યા હતા પરંતુ બંને ઇન્ડસ્ટ્રીઝએ કોટેશન મુજબ મશીનો સપ્લાય કરેલ નહીં. તેમજ રીલાયક એન્જિનિયરિંગએ નાણા મેળવી બેંકની જાણ બહાર ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. બેંકમાં મોર્ગેજ કરાવેલ જમીનના દસ્તાવેજમાં પણ જણાવેલ રકમના ચેક બાઉન્સ થયા હતા. આમ ગઈ તારીખ 16 માર્ચ 2024થી ગઈ તારીખ 8 મે 2025 દરમિયાન રોનક શેખડા, કાજલબેન શેખડા, મહમદ રિયાઝ, જૂનાગઢનો યાસીન ખીરા, રાજકોટનો રવિ અરવિંદ વિરડીયા વગેરેએ બેંક સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ બેંક મેનેજર દીવાકરભાઈ નંદુલાલ કોઠારીએ ગુરુવારે ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ લેડી પીએસઆઈ એસ. એ. સાંગાણીએ હાથ ધરી હતી.



 
                                 
                              
        

 
         
        