ચૂંટણી પંચે હજુ ચૂંટણી જાહેર નથી કરી પણ આપે ઉમેદવાર જાહેર કર્યા
ચૂંટણી પંચ પહેલા આપની જાહેરાત થતા રાજકીય ગરમાવો
આપ અને કોંગ્રેસનું ગઠબંધન થશેતો ભાજપને ભારે પડશે ?
શું ગોપાલ વિસાવદર પેટ ચૂંટણીમાં ગોવર્ધન પર્વત ઉપાડી શકશે ?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
ગુજરાત રાજ્યમાં બે વિધાનસભા બેઠકો ખાલી પડેલી છે જેમાં વિસાવદર અને વાવ બેઠકની પેટા ચૂંટણી નજીક દિવસોમાં યોજાય તેવા સંકેત મળી રહ્યા છે. ત્યારે હજુ ચૂંટણી પંચ દ્વારા કોઈ સત્તાવાર રીતે બંને બેઠકો માટે ચૂંટણી યોજાશે તેવું જાહેર નથી કર્યું ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આપ નેતા ગોપાલ ઈટાલીયા વિસાવદર વિધાનસભાની પેટ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સત્તાવાર જાહેર કરી દીધું છે.ત્યારે ગોપાલ ઈટાલીયાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતા વિસાવદર બેઠક પર રાજકારણ ગરમાયુ છે અને રાજકીય પક્ષો પોતાના ગણિત માંડવા મંડ્યા છે. આમ આદમી પાર્ટીના વિસાવદર ભેંસાણ સીટના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલીયા ઉપર પાર્ટીએ વિશ્વાસ રાખ્યો છે પણ આ યુવા નેતા ફરી આ સીટ પર કોંગ્રેસ ભાજપની જુગલબંધીને સાવરણાના સીમ્બોલથી સાફ કરશે કે અને આમ આદમી પાર્ટીની જીત થશે કે પછી ખુવાર થઈ જશે.વિસાવદર ભેંસાણ સીટ હંમેશા સામા પ્રવાહે તરવા માટે પ્રસિદ્ધ છે.અહી આ સીટ પહેલેથી જ અલગ માનસિકતા ધરાવતા લોકોથી ભરેલી છે. આપના ઉમેદવાર પછી હવે ભાજપ પોતાના કયા ઉમેદવારને ઉતારશે તે પણ ચર્ચાનો વિષય છે કેમ કે ભૂપત ભાયાણીનુ રાજીનામું ફરી ટીકીટ આપવાની શરતે થયેલું છે એમ લોકો કહે છે તો પૂર્વ ધારાસભ્ય હષેદ રીબડીયાને ગતટર્મમા હાર્યા તો પણ ફરી એક તક અપાશે એ શરતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો એમ કહેવાય છે તો જુનાગઢ જીલ્લા પ્રમુખ કિરીટ પટેલ પણ થનગની રહ્યા છે ત્યાં કોઈ પીઢ ઉમેદવાર પણ ડોકિયા કરી રહ્યા છે જે સીધા મોદી સાહેબના સીધા સંપર્કમાં છે એવું લોકો કહી રહ્યા છે.
તો કોંગ્રેસ પણ કરસન વાડદોરીયાને રીપીટર કરશે કે લોકપ્રિય કોંગ્રેસ અગ્રણી ભરત વીરડીયાને તક આપશે કે ભેંસાણ પંથકને મહત્વ આપશે તે આવનારા દિવસોમાં ખબર પડશે કે પછી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા પોતાનું નસીબ અજમાવશે તે પણ નોંધવા જેવી બાબતો ઉપસી આવે છે પણ વિસાવદરની જનતાને ધારાસભ્ય જોઈએ જ છે કેમ કે વિકાસથી વંચિત ધારાસભ્ય વગરના અનાથ આ વિસ્તારમાં હવે વિકાસ થવો જ જોઈએ.પણ હજુ કોર્ટની પીટીશન નો મુદો પણ સમાધાન તરફ જાય છે કે પછી પાંચ વર્ષ આમ જ જનતાને કાઢવાના તે પણ વિચારવા જેવું લાગે છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આડે હજી હરેશભાઇ ડોબરીયાની પીટીશન હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. પણ રાજકીય પક્ષો અત્યારથી જ ત્યાંથી પેટા ચૂંટણી માટેની તૈયારીઓ આરંભી દીધી છે. હવે આમ આદમી પાર્ટી અહીંના જંગને રસાકસીભર્યો બનાવવા કૃતનિશ્ચયી હોય એમ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલ રાષ્ટ્રીય મહાસચિવ ગોપાલ ઇટાલીયાને અહીંથી લડવાના છે. અત્રે નોંધનીય છેકે, અગાઉ જ્યારે મહેશ સવાણી આપમાં જોડાયા એનાથી પ્રેરાઇને ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે 2021 માં લેરીયા ગામે ઇસુદાન ગઢવી સહિતના પ્રચાર માટે વિસાવદર બેઠક વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. ભૂપત ભાયાણી આપમાં જોડાવા ત્યાં જઇ રહ્યા હતા
તેઓએ ગામથી 5 કિમી દૂર હતા ત્યારે ઇસુદાન ગઢવી જે કારમાં હતા એનો બ્રહ્મ રાજકીય આગેવાનોએ વિરોધ કર્યો હતો. જોકે, એ વખતે ગોપાલ ઇટાલીયા એ કારમાં નહોતા. પણ બાદમાં આપ દ્વારા બ્રહ્મ આગેવાનો સામે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગેની ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી. હાલ આ કેસ પેન્ડિંગ છે ત્યારેજ આપે ગોપાલ ઇટાલીયાને અહીં જ્યારે પેટા ચૂંટણી યોજાય ત્યારે ઉમેદવાર બનાવવાનો નિર્ણય કરતાં ચૂંટણી તોફાની બની રહેવાના સંકેત અત્યારથીજ મળી રહ્યા છે. ગોપાલ ઇટાલીયાએવું કથાકારો વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદનો કરતાં તેનો બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનો, આગેવાનો દ્વારા ઠેર ઠેર વિરોધ થયો હતો જેના અનુસંધાને આ ઘટના બની હતી.