મોનસૂન ઑડિટ
19 દિવસમાં જિલ્લામાં સરેરાશ 4.47 ઇંચ વરસાદ વરસ્યો : ગત વર્ષનાં જૂન કરતા 61% વધુ વરસાદ નોંધાયો : ગત વર્ષે જૂનમાં 7.16% વરસાદ હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચોમાસાની સિઝનનો પ્રારંભ સારો થયો છે. જૂન મહિનામાં જિલ્લામાં 11.69 ટકા વરસાદ થયો છે. ગત વર્ષનાં જૂન મહિનાની સરખામણીએ 61 ટકા વધારે છે. જૂનાગઢ જિલ્લામાં ચોમાસાનાં 19 દિવસમાં સરેરાશ 4.47 ઇંચ વરસાદ થયો છે. ચોમાસાની સિઝનનાં પ્રારંભનાં દિવસનો ગત વર્ષ કરતા સારા રહ્યાં છે.પરંતુ હજુ ખેડૂતો સારા વરસાદની રાહ જોઇ રહ્યાં છે. અષાઢી બીજ ઉપર મીટ માંડીને બેઠા છે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદ આધારીત ખેતી વધુ છે. ચોમાસાની ચાતક નજરે રાહ જોવાતી હોય છે. જૂનાગઢ જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ તો સમયસર થઇ ગયો છે. ચોમાસાની સિઝનનાં જૂન મહિનની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં 11 જૂને વિસાવદરથી વરસાદની એન્ટ્રી થઇ હતી. બાદ સમયાંતરે જિલ્લાનાં અન્ય તાલુકામાં પણ વરસાદ થયો છે. જિલ્લાનાં મોટાભાગનાં તાલુકામાં વાવેતર થઇ ગયું છે. પાણીની સુવિધા ધરાવતા ખેડૂતોએ આગોતરું વાવેતર કરી લીધું હતું. બાદ સારો વરસાદ થતા ખેડૂતો ખુશ થયા હતાં. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ રોકાઇ ગયો છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહે છે.પરંતુ વરસાદ થતો નથી. ચોમાસાની સિઝનનો જૂન મહિનો પુરો થઇ રહ્યો છે. ત્યારે સિઝનનાં પહેલા મહિનાનાં વરસાદનાં આંકડા પર એક નજર કરીએ તો ગત વર્ષ કરતા ચોમાસાની સિઝનનો પ્રારંભ સારો થયો છે. વર્ષ 2021નાં જૂન મહિનામાં જૂનાગઢ જિલ્લામાં 7.16 ટકા વરસાદ થયો હતો. જિલ્લામાં સરેરાશ 2.67 ટકા વરસાદ થયો હતો. તેની સરખામણીએ જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાનાં 19 દિવસમાં 11.69 ટકા વરસાદ થયો છે. જિલ્લાનાં 10 તાલુકામાં સરેરાશ 4.47 ઇંચ વરસાદ થયો છે. આમ,ગત વર્ષ કરતા જૂન મહિનામાં 61 ટકા વધુ વરસાદ થયો છે. ચોમાસાની સિઝનનો પ્રારંભ જૂનાગઢ જિલ્લામાં સારો થયો છે. જોકે હાલ ખેડૂતો સારા વરસાદની હજુ રાહ જોઇ રહ્યાં છે. હાલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. પરંતુ આજે પણ વરસાદનાં એંધાણ જોવા મળ્યાં ન હતાં.
2021માં જિલ્લામાં 129% વરસાદ થયો હતો
જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષે ચોમાસાનો પ્રારંભ નબળો રહ્યો હતો.પરંતુ અંત સારો હતો. સિઝનનાં અંતમાં જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબર મહિના સુધી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2021માં 129 ટકા વરસાદ થયો હતો. જિલ્લાનો સરેરાશ 48.42 ઇંચ વરસાદ થયો હતો.
જૂનાગઢમાં સવારે ઝાપટાં
જૂનાગઢ શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે. તેમજ ભારે બફારો છે. જૂનાગઢ શહેરમાં સવારે વરસાદી ઝાપટું પડ્યુ હતું. રસ્તા ભીના થઇ ગયા હતાં. જૂનાગઢ શહેરમાં જૂન મહિનામાં સિઝનનો 4.16 ઇંચ વરસાદ થયો છે, જે સિઝનનો 11.92 ટકા વરસાદ છે.
- Advertisement -
સૌથી વધુ માણાવદરમાં 23.79% વરસાદ થયો
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆત સારી થઇ છે. જૂનાગઢ જિલ્લામાં જૂન મહિનામાં સૌથી વધારે વરસાદ માણાવદરમાં થયો છે. માણાવદર તાલુકામાં 23.79 ટકા વરસાદ થયો છે. તાલુકામાં 8.28 ઇંચ સિઝનનો વરસાદ પડ્યો છે. જયારે સૌથી ઓછો વરસાદ ભેંસાણમાં નોંધાયો છે. ભેંસાણમાં સિઝનનો 5.53 ટકા વરસાદ થયો છે. ભેંસાણ તાલુકામાં સિઝનનો 1.64 ઇંચ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, જિલ્લાનાં 10 તાલુકામાં સિઝનનો સૌથી વધુ વરસાદ વિસાવદરમાં પડે છે. વિસાવદર તાલુકામાં સિઝનનો કુલ 45.96 ઇંચ વરસાદ નોંધાય છે.