સિસ્કન, હાર્ટ વાલ્વ, ટિસ્યુની નોંધણી માટે સરકાર સોફ્ટવેર વિકસાવશે
ઓર્ગન ડોનેશન એક્ટની સમીક્ષા, કિડની-લિવર-હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં પારદર્શકતા લાવવા ભાર મુકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
ગુજરાતમાં ઓર્ગન ડોનેશન પ્રોગ્રામને વધુ પારદર્શક અને વિશ્વાસપાત્ર બનાવવા રાજ્ય સરકાર ગતિશીલ બની છે. શનિવારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (જઘઝઝઘ) વચ્ચે હાઈલેવલ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઓર્ગન ડોનેશન એક્ટની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી અને ખાસ કરીને પારદર્શકતા વધારવા પર વિશેષ ભાર મૂકાયો હતો, જેથી કિડની, લિવર અને હૃદયની પ્રતિક્ષામાં રહેલા દર્દીઓને પોતાનો વેઇટિંગ નંબર સ્પષ્ટ રીતે જાણી શકાય. સરકાર સ્કિન, હાર્ટ વાલ્વ, ટિશ્યુ, બોન અને પેરી કાર્ડિયમની રજીસ્ટ્રી માટે અદ્યતન સોફ્ટવેર ડેવલપ કરવાની દિશામાં આગળ વધી રહી છે. અત્યાર સુધી ટિશ્યુ માટે રીજનલ સેન્ટરોની વ્યવસ્થા હતી, પરંતુ નવી ટેકનોલોજીના માધ્યમથી રજીસ્ટ્રેશન અને વિતરણની સુવ્યવસ્થિત સિસ્ટમ ઉભી કરવા યોજના છે.
મહત્વનું એ છે કે, ઓર્ગનની પ્રતિક્ષામાં રહેલા દરેક દર્દીને સિસ્ટમ પ્રત્યે વિશ્વાસ અને પારદર્શક્તાની અપેક્ષા હોય છે. દર્દીઓના હિતને આધારિત રહી કાયદામાં જરૂરી સુધારાઓ કરવા અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. આરોગ્ય વિભાગને મળેલા સૂચનોના આધારે આગામી દિવસોમાં સુધારાઓ અમલમાં આવશે. જેમાં ઓર્ગન એલોકેશન એપ્લિકેશન બનાવવી, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને પોઈન્ટ સિસ્ટમમાં પારદર્શકતા લાવવી તથા દર્દી પોતાનો વેઇટિંગ નંબર જોઈ શકે તેવા ઈન્ટરફેસની વ્યવસ્થા ઉભી કરવી જેવા મુદ્દાઓ સામેલ છે. આ પ્રથમ બેઠકમાં એક્ટનું રિવ્યુ પૂર્ણ થયું છે અને હવે સૂચનોના આધારે સુધારાની પ્રક્રિયા હાથ ધરાશે.
ઓર્ગન વેસ્ટ ન થાય તેના પર વિશેષ ભાર
ઓર્ગન ડોનેશન પોલિસી મુજબ કેડેવર ઓર્ગનના વિતરણ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલો વચ્ચે વહેંચણીની નિયમિત વ્યવસ્થા છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં દૂરના સેન્ટરનો વારો આવ્યા પછી પણ વિવિધ કારણોસર ઓર્ગન પ્રાપ્ત કરી શકાતું નથી, જેના કારણે ઓર્ગન વેસ્ટ થવાની શક્યતા વધી શકે છે. આવી પરિસ્થિતિમાં કિડની ઈન્સ્ટિટ્યૂટે ઓલ્ટરનેટ મેકેનિઝમ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે, જેથી દાનમાં મળેલું કિંમતી ઓર્ગન વેડફાઈ ન જાય.
કિડની ફેલ્યોર દર્દી માટે એ.વી. ફિશ્યુલા જરૂરી, પણ વેઈટિંગ લાંબુ હોય છે
કિડની ફેલ્યોર દર્દીનું ડાયાલિસિસ શરૂ કરતાં પહેલાં હાથમાં એ.વી. ફિશ્યુલા સર્જરી દ્વારા બનાવવામાં આવે છે, જેથી દર્દીને ડાયાલિસિસ મશીન સાથે જોડી શકાય. ડાયાલિસિસ અગાઉની આ ફરજિયાત પ્રક્રિયા માટે 15 દિવસ જેટલું વેઇટિંગ લિસ્ટ રહે છે. ફિશ્યુલા વહેલી તકે તૈયાર થાય તો દર્દીનું જીવન સુરક્ષિત કરી શકાય. સરકારી હોસ્પિટલમાં ફિશ્યુલા તૈયાર કરવાનો ખર્ચ આશરે પાંચ હજાર છે જ્યારે ખાનગીમાં તેનો ખર્ચ 30 હજાર થઈ જતો હોય છે.



