વહેલી સવારના વેલ્ડીંગ કરતા સમયે ઇંધણની ટેન્ક ધડાકા સાથે ફાટતા કરૂણાંતિકા
ઘટનાના પગલે એક યુવાનના ઘટના સ્થળે જ ફૂરચા ઉડ્યા : અન્ય બેએ સારવાર દરમિયાન દમ તોડ્યો : પોલીસ તપાસનો ધમધમાટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ નજીક નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલ હાઇબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં આજે સવારનાં એકાએક બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિકોનાં મોત નિપજેલ હતા. આ ઘટનાને પગલે ગોમટા ચોકડી વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાવા પામેલ હતો. દરમિયાન અકસ્માતની આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની સાથે પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
અકસ્માતની આ ઘટના અંગે મળતી સિલસિલાબધ્ધ વિગતો એવા પ્રકારની છે કે ગોંડલના નેશનલહાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલ હાઈબોન્ડ સિમેન્ટ ફેકટરીમાં વહેલી સવારના પાંચ કલાકે આશિષ હમીરભાઈ સોલંકી (ઉ.25,રહે. દેવલપુર, ગીર સોમનાથ), રાહુલ જસાભાઈ પંપાણીયા (ઉ.22,રહે. સુત્રાપાડા) તેમજ અમર શિવધારાભાઈ વિશ્ર્વકર્મા (ઉ.33, રહે. બાલવાગોરી, ઉત્તરપ્રદેશ) નામના ત્રણ શ્રમિકો ઇંધણની ટેન્કમાં વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા.તે દરમિયાન અચાનક જ બ્લાસ્ટ થઇને ઇંધણની ટેન્ક ફાટતા એક શ્રમિકનું ઘટનાસ્થળે જ ફૂરચેફૂરચા ઉડતા મોત નિપજેલ હતું જ્યારે અન્ય બે શ્રમિકોને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હતા તે દરમિયાન તેઓએ દમ તોડી દીધો હતો.
- Advertisement -
એક સાથે ત્રણ યુવાનોના આ ઘટનામાં મૃત્યુ નિપજતાં ગોંડલ વિસ્તારમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી છે.હાઈબોન્ડ સિમેન્ટ ફેકટરીમાં વહેલી સવારનાં વેલ્ડીંગ કરતા સમયે ઇંધણની ટેન્ક ફાટતા થયેલો આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ગોમટા ચોકડીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. દરમિયાન આ ઘટનાની જાણ થતાં જ આ હાઈબોન્ડ ફેકટરીના સુપરવાઇઝર અને મેનેજર તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઉપરોક્ત ત્રણેય હતભાગી યુવાનોને સારવારઅર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. જો કે એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજેલ હતું જ્યારે અન્ય બે શ્રમિક યુવાનોએ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા સમયે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. આ ઘટના અંગે પોલીસ કાફલાએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. મરનાર ત્રણેય યુવાનોના મૃતદેહોને પીએમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.