ગુજરાતની લોજિસ્ટિક કંપની સોનું નાગપુર લઈ જતી હતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં પોલીસ અને તપાસ એજન્સીઓ એલર્ટ પર છે. આ સંદર્ભે મુંબઈમાં 80 કરોડની ચાંદી બાદ હવે નાગપુરમાં 14 કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે. જ્વેલરી અને બિસ્કિટના રૂપમાં સોનું ગુજરાત સ્થિત કંપની સિક્વલ લોજિસ્ટિક્સ દ્વારા પરિવહન કરવામાં આવી રહ્યું હતું. ટીમ રસ્તામાં ચેકિંગ કરી રહી હતી ત્યારે વાહન પકડાયું હતું. આ શિપમેન્ટ ગુરુવારે ફ્લાઇટ દ્વારા નાગપુર પહોંચ્યું, ત્યારબાદ તેને અમરાવતી મોકલવામાં આવી રહ્યું હતું.અધિકારીએ જણાવ્યું કે, અંબાઝારી તળાવથી વાડી તરફ જતી વખતે વાહન અટકાવવામાં આવ્યું હતું. સોનું કબજે કરી અંબાઝરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સિક્વલ લોજિસ્ટિક્સ પાસે ચૂંટણીના વાતાવરણમાં આટલી મોટી માત્રામાં સોનું લઈ જવા માટે ચૂંટણી પંચની પરવાનગી નથી. અગાઉ, પોલીસે મુંબઈમાં વાશી ચેકપોસ્ટ પાસે એક ટ્રકમાંથી 8,476 કિલો ચાંદી જપ્ત કરી હતી, જેની અંદાજિત કિંમત 80 કરોડ રૂપિયા હતી.