કાર્તિક મહેતા
પંદરમી ઓગષ્ટ 1971 , ભારત માટે તો સ્વતંત્રતાની ઉજવણીનો દિવસ હતો પણ જગત માટે એની કરતા પણ વિશેષ દિવસ હતો. અમેરિકન પ્રમુખ રિચાર્ડ નિક્સને એક એવો ઐતિહાસિક અને કદી બન્યો હોય નહિ એવો નિર્ણય લીધો કે જેણે આખા જગતની એક ઝાટકે કાયાપલટ કરી નાખી. નીક્સને જે નિર્ણય જાહેર કર્યો તેને “નિક્સન શોક” કહેવાય છે કેમકે તે આખા જગત માટે શોકીંગ એટલે કે આંચકાજનક હતો.
નિક્સને એવું તે શું કહ્યું કે જે એટલું બધું આંચકાજનક હતું ??
નિકસન ને નજીકથી જાણવા વાળા એને “પેરેનોઇડ” એટલે કે પાગલ કહેતા. નિકસને આ જે અચાનક જાહેરાત કરી એ પણ એના પાગલપનને સાબિત કરે એવી હતી. પણ ખરેખર તો આ જાહેરત અમેરિકન કૂટનીતિ નું એક અપ્રતિમ ઉદાહરણ હતું..
- Advertisement -
નિક્સને પંદરમી ઓગસ્ટ 1971ની સવારે ઊઠીને જાહેર કરી દીધું કે હવે અમેરિકન ડોલરના બદલામા સોનું મળશે નહિ. આવું કહીને એણે જણાવી દીધું કે હવે અમે મનફાવે એમ ડોલર છાપિશું પણ એના બદલામાં સોનું મુકીશું નહિ અને કોઈ ડોલરના બદલામા સોનું માંગે તો એ આપીશું નહિ.
નિકસન ની આ જાહેરાતથી સોનું હવે ડોલરથી આઝાદ થઈ ગયું. (લગભગ)ત્રીસેક ડોલરનું ત્રીસ ગ્રામ જેટલું મળતું સોનું એકદમ તેજી પામીને સો ડોલરનું ત્રીસ ગ્રામ થઈ ગયું.
અમેરિકન રિઝર્વ બેંક , જેને ફેડરલ રિઝર્વ કહેવાય છે તેને હવે બેફામ નાણાં પ્રિન્ટ કરવાની છૂટ મળી ગઈ. કેમકે હવે ડોલર સામે એમને સોનું મૂકવાનું હતું નહિ.
- Advertisement -
વિશ્વયુદ્ધ સમયે કંગાળ બેહાલ થયેલા દેશો અમેરિકા ઉપર આધાર રાખતા એટલે એમની પાસે ડોલર ખૂબ હતા , હવે આ ડોલર ને સોનામાં વટાવવા અશક્ય હતું એટલે એ બધા દેશોને ડોલરના ભન્ડારથી વ્યવહાર કર્યા વિના છૂટકો નહોતો.
વળી અમેરિકા તો બેફામ ડોલર છાપતું હતું અને એમાં જ વ્યવહાર કરતુ હતું એટલે જો “વિકાસ” કરવો હોય તો ડોલરનું આધિપત્ય સ્વીકાર્યા સિવાય પણ આરો નહોતો.
આમ, એક ઝાટકે અમેરિકા દુનિયાની મહાસત્તા બની ગયું, એ પણ માત્ર કાગળિયાને જોરે!!!!
પણ વડવા કહી ગ્યા કે પાઘડીનો વળ છેડે આવે ! આથી અમેરિકાની આ કાગળબાજી અમેરિકાને પણ ભારે પડવાની હતી.
બેફામ ડોલર છાપીને અમેરિકાએ મોંઘવારી અને દેવું નામનાં બે દૈત્ય પાળી લીધા જેને નાથવામાં અમેરિકાને નાનીમા યાદ આવી જવાના હતા.
મોંઘવારી તો સમજી શકાય કે બેફામ કાગળિયા છાપો એટલે લોકો પાસે વસ્તુઓ ઓછી અને કાગળ વધુ હોય એમાં મોંઘવારી બેલગામ બને. પણ બીજો મોટો રાક્ષસ હતો : દેવું.
અમેરિકન કે કોઈપણ સરકાર કરવેરા થી આવક મેળવે એની કરતા ક્યાંય વધુ ખર્ચ કરતી હોય છે (ભ્રષ્ટાચાર પણ એટલો થતો હોય છે કે સામાન્ય માણસને માણસાઈ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય) .. આ ખર્ચને પહોંચી વળવા અમેરિકન સરકાર (અને હવે તો બધી સરકાર) નાણાં છપાવે છે અને સામે નાણાં છાપનાર બેંકને બોન્ડ (વચન)આપે છે કે આ ઉધાર નાણાં એમને દૂધે ધોઈને એટલે કે વ્યાજસહિત રિટર્ન કરવામાં આવશે.
પણ અનિયંત્રિત ખર્ચ (મીલીટરી , હેલ્થકેર, ભ્રષ્ટાચાર ) ને કારણે આ દેવું કદી પૂરું થતું નથી. સરકાર વ્યાજ ભરી ભરીને દેશ ચલાવે છે. મુદ્દલ તો ઊભું નું ઊભુ !!
એટલે સમયાંતરે ટ્રંપ જેવો નેતો આવીને પોતાના દેશમાં ઉદ્યોગ ધંધા કારોબાર ને ભારે છૂટછાટ આપીને આ દેવા ને ક્ધટ્રોલ કરવા પ્રયાસ કરે છે..
આજે સોનું ચાંદી ભડકે બળ્યા છે.. વર્ષ 2025માં સોના ચાંદીએ રેકોર્ડ બ્રેકિંગ તેજી બતાડી એની પાછળ અમેરિકાએ 15 ઓગસ્ટ 1971માં લીધેલો નિર્ણય જવાબદાર હતો …. અને કદાચ હમેશા આવું જ રહેશે
ડોલર ની વેલ્યુ ઘસાતા અને ચાંદીની ઔધોગિક માંગ વધતા ચાંદી પૂરપાટ દોડી તો સામે સોનું પણ સારું એવું ભાગ્યું. કેમકે ધીમે ધીમે બધા દેશો અમેરિકન ડોલર ઉપરનો મદાર ઘટાડતા જાય છે.
ચાંદી સોનું કેમ અત્યંત વધ્યા તે આવતે અંકે.