કલેકટરને આવેદનપત્ર આપીને ગુજરાત સરકાર પાસે રત્નકલાકારોની જેમ પેકેજની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં સોના-ચાંદીના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે મોંઘવારીની સીધી અસર સુવર્ણકાર સમાજના કારીગરો પર પડી છે. લગ્નની સિઝન હોવા છતાં ખરીદી ધણી ઓછી થઈ જતાં કારીગરો પાસે દાગીના બનાવવાનું અને મજૂરીનું કામકાજ નહિવત્ છે. આ કફોડી સ્થિતિમાં કારીગરોને દુકાન અને ઘરનું ભાડું ભરવું મુશ્કેલ બન્યું છે.
અનેક કારીગરોએ દુકાન કે મકાન પર બેંકમાંથી લોન લીધેલી છે, જેના હપ્તા ભરવામાં પણ તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આર્થિક સંકડામણના કારણે બાળકોની શાળા-કોલેજની ફી ભરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે, જેનાથી કારીગર પરિવારોની સ્થિતિ અત્યંત દયનીય બની છે.
થોડા સમય પહેલાં ગુજરાત સરકારે સુરતના રત્નકલાકારોને આર્થિક સહાય આપી હતી, તે જ રીતે સુવર્ણકારોને પણ સહાય મળે તેવી માંગણી કરવામાં
આવી છે.
આ પરિસ્થિતિમાં શ્રી સોની યુવા સોશિયલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા તથા હોદ્દેદારોએ રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે, ગુજરાત સરકાર દ્વારા સુવર્ણકાર કારીગરો માટે આર્થિક પેકેજ અથવા સહાયતા જાહેર કરવામાં આવે, જેથી અનેક કારીગર પરિવારોને રાહત મળી શકે.



