ઉનાળાની શરૂઆત થતા જ રાજકોટ મનપાનો ફૂડ વિભાગ ઍક્શન મોડમાં
મોચીનગર અને બજરંગવાડી વિસ્તારમાં 19 ધંધાર્થીઓની તપાસ: 8 વેપારીઓને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ફૂડ વિભાગની ટીમે શહેરની પ્રખ્યાત આઈસ ગોલાની પેઢીઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જે અંતર્ગત આજે આઈસ ગોલામાં વપરાતા ફ્લેવર સિરપ અને ક્રીમ સહિતના કુલ 6 નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફૂડ વિભાગની ટીમે ઋજઠ (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે શહેરના મોચીનગર મેઇન રોડ અને બજરંગવાડી વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. અહીં ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 19 ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી હતી અને સ્થળ પર જ 19 નમૂનાઓની ચકાસણી કરાઈ હતી. તપાસ દરમિયાન 8 ધંધાર્થીઓ પાસે જરૂરી લાયસન્સ ન હોવાનું જણાતા તેમને તાકીદે લાયસન્સ મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. જે વેપારીઓને સૂચના અપાઈ છે તેમાં શ્રી ચામુંડા કિરાણા સ્ટોર, ગાયત્રી ડેરીફાર્મ, બાલાજી પાણીપુરી, શ્રીજી મેડિકલ સ્ટોર, બાઇટ બોક્સ, સુરેશ નમકીન, જલારામ જનરલ સ્ટોર અને મહાવીર ફરસાણનો સમાવેશ થાય છે. આ સિવાય ખોડિયાર ડેરીફાર્મ, જે.કે. એન્ટરપ્રાઇઝ, સંજીવની મેડિસિન સહિતની અન્ય 11 પેઢીઓમાં પણ ગુણવત્તા બાબતે તપાસ કરવામાં આવી હતી.
‘આઝાદ હિન્દ ગોલાવાલા’ની પેઢીઓમાંથી નમૂના લેવાયા
1. કેડબરી ફ્લેવર સિરપ (લૂઝ) – ત્રિકોણ બાગ
2. કાચી કેરી ફ્લેવર સિરપ (લૂઝ) – ત્રિકોણ બાગ
3. માવા રબડી (લૂઝ) – ત્રિકોણ બાગ
4. પાઈનેપલ ફ્લેવર સિરપ (લૂઝ) – જ્યુબેલી માર્કેટ
5. માવા બદામ ફ્લેવર સિરપ (લૂઝ) – જ્યુબેલી માર્કેટ
6. આઈસ ગોલામાં વપરાતું ક્રીમ (લૂઝ) – જ્યુબેલી માર્કેટ



