માતા-પિતાનો વધુ પડતો પ્રેમ સંતાનને પાંગળુ અને માયકાંગલું બનાવે છેશાહરુખ ખાનનો દીકરો ડ્રગ્સ પાર્ટીમાં પકડાયો એ અંગેની વિગતો આપણે લગભગ તમામ સમાચારપત્રો અને સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા જાણી. આ માત્ર શાહરૂખના દીકરાની વાત નથી પરંતુ ઘણા પરિવારના દીકરા-દીકરીઓની વાત છે.
- Advertisement -
- Advertisement -
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
દુનિયાના કોઈપણ પિતાને સ્વાભાવિક રીતે એવી ઈચ્છા હોય કે પોતાને જે નથી મળ્યું એ સંતાનોને આપવું છે. પોતે જે ભોગવી નથી શક્યા એ તમામ સંતાનોને ભોગવવા દેવું છે. પરંતુ જો સંતાનોને સુખ, સુવિધા અને સ્વતંત્રતા આપવામાં જો અતિરેક થાય તો એનું પરિણામ માતા-પિતાની સાથે સંતાનોએ પણ ભોગવવું પડે છે.
શાહરૂખે આજથી અમુક વર્ષ પહેલાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે એનો દીકરો મોટો થઈને ડ્રગ્સ લે કે સેક્સ એન્જોય કરે તો પણ એને કોઈ જ વાંધો નથી. સંતાનોને સ્વતંત્રતા આપીએ એ એના વિકાસ માટે બહુ જરૂરી છે પણ સ્વતંત્રતા સ્વચ્છંદતા ન બને એની કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે. જેનાથી સંતાનોનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય બધું જ બગડે એને પિતાનો પ્રેમ કેવી રીતે ગણવો ? ધૃતરાષ્ટ્રને તો એમ જ લાગતું હોયને કે હું મારા પુત્રને પ્રેમ કરું છું પરંતુ દુર્યોધનની બરબાદીનું કારણ પણ પિતાનો એ પ્રેમ જ હતો.
- Advertisement -
માતા-પિતાનો વધુ પડતો પ્રેમ સંતાનને પાંગળુ અને માયકાંગલું બનાવે છે. બાળક તરીકે હું જેવી રીતે ઉછર્યો અને મોટો થયો એવી રીતે મારા દીકરાને ઉછેરવાનો ન હોય એ વાત સાચી, બદલાતા સમય સાથે માતા-પિતાએ પોતાની જાતને પણ બદલવી જોઈએ પરંતુ બદલાવ એવો ન હોય કે બધું છીન્ન-ભિન્ન કરી નાંખે.