દબાણ હટાવ શાખાએ ફૂડ ટ્રક હટાવવાનું કહેતા ધંધાર્થીઓ અને અધિકારીઓ વચ્ચે થઈ રકઝક
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ અને ટાગોર રોડને જોડતા દસ્તુર માર્ગ પર ફૂડ ટ્રક અને રેંકડીધારકોએ ખાઉ ગલી ઊભી કરી છે. જેમાં ભારે વિવાદને લઈને મનપાએ તમામ ફેરિયા અને ફૂડ ટ્રકને જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો હતો અને દબાણ હટાવ શાખાએ સોમવારે સાંજે સ્થળ પર દબાણ હટાવ્યું હતુ. દબાણ હટાવવા જતા ફૂડ ટ્રકના ધંધાર્થીઓ અને દબાણ હટાવ શાખાના અધિકારીઓ વચ્ચે રકઝક થઈ હતી. જેમાં ટાકો બાઉટ ઈટના વિરાજ જાનીએ કહ્યું હતું કે, અમે અહીં ટ્રક ઉભો રાખવા માટે 5 હજાર રૂપિયા ભર્યા છીએ. અમને થોડો સમય આપો અથવા વૈકલ્પિક જગ્યા આપો.
- Advertisement -
દસ્તુર માર્ગ પર શરૂઆતમાં 5થી 6 ફૂડ ટ્રક ધંધો કરતા હતા. ત્યારબાદ ધીમે ધીમે સંખ્યા વધી હતી. ત્યાં હોકર ઝોન ન હોવાથી ગેરકાયદે દબાણની સંખ્યા ન વધે તે માટે મનપાએ આડકતરી રીતે ભાડું લેવા માટે માસિક 1500 રૂપિયા વહીવટી ચાર્જ નક્કી કર્યો હતો. જોકે લોકપ્રિયતા વધતા ટ્રાફિકની સમસ્યા વધી હતી. જેથી રહેવાસીઓએ ફરિયાદ કરતા 3 મહિના પહેલા માસિક વહીવટી ચાર્જની રકમ 1500થી વધારી 5000 રૂપિયા કરાઈ હતી. જેની પાછળ આશય હતો કે, ચાર્જ વધશે તો અમુક ફેરિયાઓ જતા રહેશે પણ તેવું ન થયું. આખરે ફરિયાદો વધતા ગત સપ્તાહે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જગ્યા ખાલી કરાવવા આદેશ આપ્યો હતો. રોજિંદા ધંધા-રોજગારની જગ્યા છીનવાતા ફેરિયા અને ફૂડ ટ્રકના સંચાલકોએ વૈકલ્પિક જગ્યાની માગણી કરી હતી જોકે અધિકારીઓએ આ નિર્ણય મ્યુનિસિપલ કમિશનર જ કરી શકે તેવું કહ્યું હતું.