રાજયની શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા અંગેના ગુજરાત સરકારના વર્ષ 2022નાં પરિપત્રને પડકારતી જાહેરહિતની રિટ અરજીમાં હાઇકોર્ટ દ્વારા કરાઈ ટકોર
રાજયની શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા અંગેના ગુજરાત સરકારના પરિપત્રને પડકારતી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે મૌખિક રીતે મહત્ત્વની ટકોર કરી હતી કે, ગીતાના ઉપદેશો મૂળભૂત રીતે નેૈતિક અને સાંસ્કૃતિક છે, તે ધાર્મિક નથી. આ એક પ્રકારનો નૈતિક વિજ્ઞાાનનો પાઠ છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સ્વરૂપમાં સમાવિષ્ટ કરવા માટે સૂચિત કરે છે, જે મૂળભૂત છે. જેમ કે, તે આપણી સંસ્કૃતિ છે. આ કોઇ ધાર્મિક દસ્તાવેજ નથી તે એક સંસ્કૃતિ છે. સરકારની આ પહેલ માત્ર ઉપદેશો રજૂ કરવા પૂરતી છે. જોકે આ બાબત કોર્ટના આદેશમાં સમાવિષ્ઠ નથી પરંતુ માત્ર કોર્ટમાં દલીલો દરમિયાન મૌખિક ટિપ્પણી કરવામાં આવી હતી.
- Advertisement -
રાજયની શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા અંગેના ગુજરાત સરકારના વર્ષ 2022નાં પરિપત્રને પડકારતી જાહેરહિતની રિટ અરજીમાં અરજદાર જમિયત ઉલેમા એ હિંદ, ગુજરાત દ્વારા સરકારના ઠરાવ સામે સ્ટેની માંગણી કરતાં જણાવ્યું કે, સરકાર આ પરિપત્રને લઇ અમલવારી કરી રહી છે. તેમને અટકાવવામાં આવે. જો કે, હાઇકોર્ટે આમ કરવાનો સાફ ઇન્કાર કરતાં જણાવ્યું કે, જયારે અભ્યાસક્રમ તૈયાર થઇ જાય તો અરજદાર તેને પડકારી શકે છે.
સરકારના વર્ષ 2022ના રાજયની ધોરણ-6થી 12 સુધીની શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનો અભ્યાસ જેમાં ગીતાના મૂલ્યો અને સિધ્ધાંતોનું શિક્ષણ ફરજિયાત બનાવાયું હતું, તે પરિપત્રને પડકારતી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન અરજદારપક્ષ તરફથી ધ્યાન દોરાયું કે, સરકારને આ પ્રકારનો ઠરાવ જારી કરવાની કોઇ જ સત્તા નથી. રાષ્ટ્રીય નીતિ મુજબ, બિનસાંપ્રદાયિકતાની ભાવનામાં તમામ ધર્મોના સિધ્ધાંતો શીખવવા જોઇએ અને તે એક ધર્મ પર આધારિત ના હોઇ શકે. જે નૈતિકતા પર આધારિત હોવું જોઇએ. એક લીગલ ન્યૂઝ વેબસાઈટમાં અહેવાલ મુજબ હાઇકોર્ટે તા.21 નવેમ્બરના રોજ હાથ ધરાયેલી સુનાવણી અરજદારપક્ષે દલીલો દરમિયાન જણાવ્યું કે,કોઇપણ અભ્યાસક્રમ માટે ચોક્કસ સત્તાધિકારીઓ છે, જેને રાષ્ટ્રીય નીતિ માન્યતા આપે છે, પરંતુ સરકાર પાસે આવી સત્તા નથી. સરકાર અભ્યાસક્રમ તેૈયાર કર્યા વિના જ વિવાદીત પરિપત્રની અમલવારી કરી રહી છે, તેથી રોકવામાં આવે.
જેથી ખંડપીઠે વધુમાં જણાવ્યું કે, આ કોઇ ધર્મ નથી, આ નૈતિકતા છે. આ સંસ્કૃતિનો એક ભાગ છે અને હકીકતમાં તે, નૈતિક વિજ્ઞાનનો પાઠ છે. ભગવદ્ ગીતાએ બીજું કંઇ નહી પરંતુ નૈતિક વિજ્ઞાાન છે. આપણે બધા વર્ષોથી એકસાથે પશ્ર્ચિમી નૈતિક વિજ્ઞાાનના પાઠ વાચી રહ્યા છીએ. હાઇકોર્ટે અરજદારના વકીલને જણાવ્યું હતું કે, સી.મીસ્ટર કાઉન્સેલ, ભગવદ્ ગીતામાં કોઇ ધાર્મિક ઉપદેશ નથી. કર્મ કર, ફલ કી ઇચ્છા મત કરે.(તમારું કામ કરો અને પરિણામની આશા ના રાખો) તેનો આ જ મૂળભૂત નૈતિક સિધ્ધાંત છે. હાઇકોર્ટે અરજદારપક્ષના વકીલને એવી પણ ટકોર કરી કે, તમે મૂળ પિટિશન પર દલીલો નથી કરી રહ્યા અન્યથા અદાલત તેનો નિર્ણય અત્યારે જ આપી દેત. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.23મી ડિસેમ્બરે રાખી હતી.