રૂ. 1.11 લાખનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જઘૠ દ્વારા વેરાવળની ગરીબ નવાજ સોસાયટીમાંથી ચરસના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ કિસ્સામાં વધુ બે આરોપીઓના નામ ખુલતા તે હાલ ફરાર થયા છે. બંને ઈસમો વિરુદ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વેરાવળ તેમજ જિલ્લાભરમાં માદક પદાર્થ ચરસ, ગાંજાના સેવનનું દુષણ દિનપ્રતિદિન વધી રહ્યું છે અને ખાસ કરીને યુવાધન મોટા પ્રમાણમાં આ નશામાં ઓતપ્રોત બની રહ્યા છે. ત્યારે નશીલા પદાર્થની ગેરકાયદે પ્રવૃત્તિને ડામવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત તમામ પોલીસ મથકોના અધિકારીઓ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વેરાવળમાંથી માદક પદાર્થ ચરસ સાથે 2 ઈસમો ઝડપાયા હતા. જે અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વેરાવળની ગરીબ નવાજ કોલોનીમાં આવેલ સલીમભાઈ ઇસ્માઈલભાઈના મકાન પાસે માદક પદાર્થ ચરસની ગેરકાયદે હેરફેર થઈ રહી છે. જે અનુસંધાને સર્વેલન્સ ટીમ સાથે બાતમી વાળા સ્થળ ઉપર દરોડો પાડતા ચરસના વેચાણ અર્થે જથ્થો મગાવનાર ગરીબ નવાઝ સોસાયટીમાં જ રહેતો પટણી નજીર પીરભાઈ મલેક તેમજ ચરસના વેચાણ અર્થે જથ્થો સપ્લાય કરવા આવેલો પટણી અફઝલ ઉર્ફે ચીપો સતાર ગોવલ આ બંને ઈસમો 95,700ની કિંમતના માદક પદાર્થ ચરસના જથ્થા 638 ગ્રામ સાથે રંગેહાથ ઝડપાયા હતા.
ઝડપાયેલા બંને ઈસમોની પ્રાથમિક પૂછપરછમાં ચરસની હેરાફેરીમાં મૂળ ઉનાના નલિયા માંડવીના અને હાલ મુંબઈ રહેતા આરીફ સીદીક સુમરા તેમજ પ્રભાસ પાટણમાં રહેતા પટણી બુરહાન સત્તારભાઈ પંજાની પણ સંડોવણી સામે આવી છે. આ બંને ઈસમો હાલ ફરાર થઈ જતા પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વેરાવળની ગરીબ નવાજ સોસાયટીમાં ઝડપાયેલ બંને ઈસમો પાસેથી બંને ઈસમોની કુલ રૂ. 1,11,700ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેમના વિરુદ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની વિશેષ પૂછપરછમાં ચરસના જથ્થાની સપ્લાય કરવા આવેલા અફઝલ ઉર્ફે ચિપો સતાર ગોવાલ નામચીન હિસ્ટ્રીશીટર છે અને તેની વિરુદ્ધ વેરાવળ, કેશોદ, પ્રભાસ પાટણ, ચોરવાડ અને જુનાગઢમાં જુદા જુદા છ ગુનાઓ નોંધાયેલા છે.