BCCI સચિવ જય શાહે કરી જાહેરાત: ગંભીરે સોશ્યલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે 140 કરોડ દેશવાસીઓના સપના સાકાર કરવા તમામ તાકાત લગાડીશ
ગઈકાલે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે પોતાના એક્સ એકાઉન્ટ પર જાહેરાત કરતા જણાવ્યું કે હવે ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનું સ્વાગત કરું છું. 29 જૂન 2024ના રોજ ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડ કપ જીતી હતી અને તેના 11 દિવસમાં જેની આશા હતી તેના નામની સત્તાવાર રીતે જાહેરાત થઈ હતી.
- Advertisement -
ગૌતમનું ‘ગંભીર’ વચન
ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનતાની સાથે જ દેશના કરોડો ક્રિકેટ ચાહકોને શ્રેષ્ઠ પ્રયાસ કરવાનું વચન આપ્યું હતું. ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ભારત મારી ઓળખ છે અને મારા દેશની સેવા કરવી એ મારા જીવનનો સૌથી મોટો વિશેષાધિકાર રહ્યો છે.
હું અલગ કેપ પહેરી હોવા છતાં પાછા ફરવા બદલ સન્માન અનુભવું છું. પરંતુ મારો ધ્યેય એ જ છે જે હંમેશા રહ્યો છે, દરેક ભારતીયને ગર્વ થાય. વાદળી જર્સી પહેરેલા ખેલાડીઓના ખભા પર 1.4 અબજ ભારતીયોના સપના છે અને હું આ સપનાને સાકાર કરવા માટે બધું જ કરીશ.
ગંભીર પાસેથી ઘણી અપેક્ષાઓ છે :
ગંભીર લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે રમ્યો છે. એક બેટ્સમેન તરીકે તેણે ટીમ ઈન્ડિયાને 2007માં ઝ20 વર્લ્ડ કપ અને 2011માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે તેણે 6 મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી અને દરેક મેચ જીતી.
- Advertisement -
મતલબ કે ભારતીય કેપ્ટન તરીકે તેની સફળતાનો દર 100 ટકા છે. આ સિવાય આ ખેલાડી કેપ્ટન તરીકે બે વખત IPL જીતી ચૂક્યો છે. તાજેતરમાં, એક મેંટર તરીકે, તેણે KKRને ત્રીજી વખત IPL ચેમ્પિયન બનાવ્યું.
ભારતનું શાનદાર ઈન્ટરનેશનલ કરિયર
ગૌતમ ગંભીરે 4 ડિસેમ્બર 2018ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. થોડા મહિના બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ગંભીરે ભારત તરફથી છેલ્લી ટેસ્ટ 2016માં ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં રમી હતી. ગંભીરે 58 ટેસ્ટ મેચોમાં 41.95ની એવરેજથી 4154 રન બનાવ્યા જેમાં નવ સદી સામેલ છે.
ગંભીરે વર્લ્ડ કપ-2011માં યાદગાર ઈનિંગ રમી હતી
ગંભીરે 147 ODIમાં 39.68ની એવરેજથી 5,238 રન બનાવ્યા છે. તેમાં 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં રમાયેલી 97 રનની યાદગાર ઈનિંગ પણ સામેલ છે, જેના કારણે ભારત બીજી વખત વર્લ્ડ કપ જીત્યું હતું. વનડેમાં તેણે 11 સદીની ઈનિંગ્સ રમી હતી. ગંભીરે T20 ઈન્ટરનેશનલ મેચોમાં પણ પોતાની છાપ છોડી હતી. તેણે 37 મેચમાં સાત અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા છે જેમાં તેની એવરેજ 27.41 રહી હતી.
ગંભીરના માર્ગદર્શન હેઠળ KKR ટીમ IPL ચેમ્પિયન બની હતી
IPL-2024 પહેલાં જ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મેન્ટર બની ગયો હતો. આ પછી તેણે પોતાની મેન્ટરશિપ હેઠળ KKR ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. મુખ્ય કોચ પદ માટે અરજી કરનાર ગંભીર એકમાત્ર ઉમેદવાર હતો. કોચ પદ માટેના ઈન્ટરવ્યુ પહેલા તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.