GQG પાર્ટનર્સના રાજીવ જૈનને 82 ટકાનું તગડું વળતર મળ્યું
અદાણી જૂથમાં તેમનું રોકાણ વર્ષથી પણ નીચા સમયગાળામાં લગભગ બમણું થયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી જૂથના શેર્સમાં છેલ્લા એક સપ્તાહમાં ભારે લેવાલી પાછળ જૂથના માર્કેટ-કેપિટલાઇઝેશનમાં તીવ્ર ઉછાળા પાછળ જૂથના પ્રમોટર ગૌતમ અદાણી ફરીથી બીજા સૌથી ધનવાન ભારતીય બન્યાં છે. અગાઉ કેલેન્ડરની શરૂઆતમાં જાન્યુઆરીની આખરમાં યુએસ સ્થિત હિન્ડેનબર્ગ રિપોર્ટ પાછળ તેમણે વિશ્વના બીજા સૌથી મોટા ધનવાન તરીકેનું સ્થાન ગુમાવ્યું હતું. જોકે, તાજેતરમાં યુએસ સરકારે જ હિન્ડેનબર્ગના રિપોર્ટને અપ્રસ્તુત ગણાવતાં અદાણી શેર્સમાં ભારે ખરીદી નીકળી હતી અને જોતજોતામાં સાત ટ્રેડિંગ સત્રોમાં અદાણી જૂથનું માર્કેટ-કેપ રૂ. 4.5 લાખ કરોડથી વધુ ઊછળ્યું હતું. ગુરુવારે સવારે તે રૂ. 14.8 લાખ કરોડ પર જોવા મળતું હતું. જૂથની અનેક કંપનીઓના શેર્સ માત્ર એક સપ્તાહમાં 40-50 ટકા જેટલું તીવ્ર રિટર્ન સૂચવી રહ્યાં છે. અદાણી જૂથ શેર્સમાં સૌથી મોટી તેજીનો લાભ જૂથની ચાર કંપનીઓમાં માર્ચ 2023માં રોકાણ કરનાર યુએસ સ્થિત જીક્યૂજી પાર્ટનર્સના રાજીવ જૈનને થયો છે. તેમને તેમના અદાણી જૂથ રોકાણ પર આંઠ મહિનામાં 82 ટકાનું તગડું વળતર મળી રહ્યું છે. અદાણી જૂથમાં તેમનું રોકાણ વર્ષથી પણ નીચા સમયગાળામાં લગભગ બમણું થયું છે એમ કહી શકાય. જીક્યૂજીના પોર્ટફોલિયોમાં અદાણી જૂથ શેર્સનું મૂલ્ય ઊછળી રૂ. 39,331 કરોડ પર પહોંચ્યું છે. જે વિવિધ અદાણી જૂથ કંપનીઓમાં તેમણે કરેલા રૂ. 21,660 કરોડના રોકાણમાં રૂ. 17 હજાર કરોડથી વધુની વૃદ્ધિ સૂચવે છે. તેમણે માર્ચ, 2023માં પ્રથમ તબક્કા પછી વધુ બે તબક્કામાં અદાણી જૂથ કંપનીઓમાં રોકાણ કર્યું હતું. તેમણે મુખ્યત્વે અદાણી જૂથની ચાર કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરમાં રોકાણ કર્યું હતું. જેમાં અદાણી એન્ટરપ્રાઇઝમાં રૂ. 3,403 કરોડનું રોકાણ હાલમાં રૂ. 9,024 કરોડ પર જોવા મળે છે. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જીમાં રૂ. 4,743 કરોડનું રોકાણ રૂ. 8,800 કરોડ પર પહોંચ્યું છે. અદાણી પોર્ટ્સમાં રૂ. 4,472 કરોડનું રોકાણ રૂ. 7,766 કરોડ પર જોવા મળે છે. જ્યારે અદાણી પાવરમાં રૂ. 4,245 કરોડનું રોકાણ રૂ. 8,718 કરોડ પર જોવા મળી રહ્યું છે.
જીક્યૂજી પાર્ટનર્સના રાજીવ જૈને 2 માર્ચે અદાણી જૂથની ચાર કંપનીઓમાં રૂ. 11,849 કરોડ રોક્યા હતા. જૂનમાં તેમણે અદાણી એનર્જી સોલ્યુશન્સમાં તથા અદાણી ગ્રીન એનર્જીમાં રૂ. 2,776 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે 16 ઓગસ્ટે અદાણી પ્રમોટર્સે જીક્યૂજીને રૂ. 4,245 કરોડમાં અદાણી પાવરના 15.21 કરોડ શેર્સ વેચ્યાં હતાં. જે ત્યારપછી 90 ટકા ઊછળ્યો છે. જેણે જીક્યૂજીના રોકાણને રૂ. 8,858 કરોડ પર પહોંચાડયું છે. સપ્ટેમ્બર 2023માં જીક્યૂજીએ અંબુજા સિમેન્ટમાં રૂ. 1,520 કરોડનું રોકાણ કર્યું હતું. ગઈ 24 નવેમ્બરથી લઈ અત્યાર સુધીમાં અદાણી જૂથ શેર્સમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. જૂથનું માર્કેટ-કેપ રૂ. 4.5 લાખ કરોડ જેટલું ઊછળી રૂ. 14.8 લાખ કરોડ પર પહોંચ્યું છે. અગાઉ સુપ્રીમ કોર્ટ તરફથી જૂથને ક્લીનચીટ પછી યુએસ સરકારે પણ હિન્ડેનબર્ગ રિપોર્ટને નકાર્યો હતો. જ્યારે રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને કારણે પણ અદાણી જૂથને લઈ સેન્ટિમેન્ટમાં પરિવર્તન જોવા મળ્યું હતું. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીની વેલ્થ 10 અબજ ડોલરથી વધુ ઊછળી 70 અબજ ડોલરને પાર કરી ગઈ હતી અને તેઓ બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સમાં ફરી ટોચના સ્થાનોમાં જોવા મળી
રહ્યાં છે.